• પ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઘવાયો

  • ભારતીય ટોપ અને મિડલ ઓર્ડર શાનદાર ફોર્મમાં
  • ન્યૂઝીલેન્ડ સારા રનરેટને કારણે પહેલા જ્યારે ભારત બીજા સ્થાને

સતત ચાર જીત સાથે વિજય રત પર સવાર યજમાન ભારત અને ગત ઉપ વિજેતા ન્યૂઝીલેન્ડ, પોઇન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી બેલ ટીમોના જંગમાં રવિવારે પાંચમી જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવવાનો દાવો મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ હજુ સુધીમાં પોતાની ચારેય મેચો જીતી છે અને બંને ટીમોના આઠ-આઠ પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડ સારા રનરેટને કારણે પહેલા જ્યારે ભારત બીજા સ્થાને છે. બંને ટીમ વચ્ચે કાલે રમાનારી મેચમાં વિજેતા બનનારી ટીમ સતત પાંચમી જીત સાથે સેમિફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ખરાબ શરૂઆત છતાં છ વિકેટે જીત સાથે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. રોહિત શર્માની ટીમે તે બાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને અનુક્રમે આઠ, સાત અને સાત વિકેટે હરાવી હતી. ટીમે પોતાના ચારેય મુકાબલો ટાર્ગેટનો પીછો કરતા જીત્યા હતા અને ટૂર્નામેન્ટમાં હજુ સુધી ભારતના લોવર મિડલ અને લોવર ઓર્ડરની પરીક્ષા થઈ નથી. આવતીકાલના મુકાબલામાં ભારત માટે મોટી ચિંતાનો વિષય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ઈજા છે. તેની ગેરહાજરીમાં ટીમમાં સંતુલન બેસાડવું પડશે. પંડયા બાંગ્લાદેશ સામેની મેચમાં ઘવાયો હતો. તે હાલ ટીમ સાથે પણ નથી. પંડયાની ગેરહાજરીમાં ભારતે બોલિંગ અથવા બેટિંગમાં સમજૂતી કરવી પડશે.

વિલિયમ્સન વિના ઊતરશે ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડનો સુકાની વિલિયમ્સન ઈજાગ્રસ્ત હોવાથી તે કાલની મેચમાં પણ નહીં રમે. તેની ગેરહાજરીમાં પણ કિવિ બેિંટંગ લાઇન મજબૂત છે. કોનવે 9,249) અને રવીન્દ્ર (215)એ સારી બેટિંગ કરી છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં બંનેએ સદી ફટકારી હતી. સુકાની લાથમ, વિલ યંગ અને ગ્લેન ફિલિપ્સ અને ડેરિલ મિશેલે પણ સારી ઇનિંગો રમી છે. તો કિવિ બોલર્સનું પણ સારું પ્રદર્શન રહ્યું છે.

ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં । ભારતના ટોપ ઓર્ડરે હજુ સુધી સારો દેખાવ કર્યો છે. રોહિત ચાર મેચમાં એક સદી અને એક અર્ધસદીની મદદથી 265 રન સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન ફટકારનાર ખેલાડીઓમાં બીજા સ્થાને છે. જ્યારે કોહલી 259 રન સાથે ત્રીજા સ્થાને છે. કોહલીએ હજુ સુધીમાં એક સદી અને બે અર્ધસદી ફટકારી છે. રાહુલ અને ઐયર પણ મિડલ ઓર્ડરમાં ઉપયોગી ઇનિંગ રમી ચૂક્યા છે. રાહુલે ઓસ્ટ્રેલિયા સામે વિષમ સંજોગોમાં 97 રનની ઇનિંગ રમી હતી. ઐયરે પણ એક અર્ધસદી ફટકારી છે. ગિલ પણ બે મેચમાં એક અર્ધસદી ફટકારી ચૂક્યો છે. ઇશાને તેની ગેરહાજરીમાં બંને મેચમાં ઉપયોગી ઇનિંગ રમી હતી. ભારતીય બોલિંગ આક્રમણ પણ ફોર્મમાં છે. બુમરાહ ચાર મેચમાં 10 વિકેટ સાથે ટૂર્નામેન્ટનો સૌથી સફળ બોલર છે. કુલદીપ યાદવે પણ ચાર મેચમાં છ વિકેટ ઝડપી છે.


  • Follow us on: