• આ વખતે એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલમાં રમાશે
  • 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે
  • ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં એક જ ગ્રુપમાં

એશિયા કપ 2023ના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી શક્યતા છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાઈ શકે છે. તો, સુપર-4 ચરણમાં, 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થઇ શકે છે. બંને મેચ શ્રીલંકાના દામ્બુલા અથવા કેન્ડીમાં રમાઈ શકે છે. આ સિવાય, જો બંને ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે ત્યારે તે સ્થિતિમાં ત્રીજો મુકાબલો પણ રમાઈ શકે છે.

પાકિસ્તાન ઘરઆંગણે નેપાળ સામે રમશે પહેલી મેચ

એશિયા કપ 2023માં પાકિસ્તાનની ટીમ પોતાના અભિયાનની શરૂઆત નેપાળ સામેની મેચથી કરશે. આ મેચ 30 કે 31 ઓગસ્ટે મુલતાનના મેદાન પર રમાશે. ટુર્નામેન્ટનો ઉદઘાટન સમારોહ પણ તે જ દિવસે યોજાશે. તો, આ મેચ પછી પાકિસ્તાનની ટીમ સીધી શ્રીલંકા માટે રવાના થશે. તો, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પાકિસ્તાનમાં તેમની ગ્રુપ મેચ રમીને શ્રીલંકા જવા રવાના થશે.

19 જુલાઈએ થઇ શકે છે સત્તાવાર શિડયુલની જાહેરાત

એશિયા કપ 2023 આ વખતે 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. હવે તેનું ઓફિશિયલ શેડ્યૂલ 19 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. પાકિસ્તાનના નવા ચીફ ઝકા અશરફે આ હાઇબ્રિડ મોડલ અંગે થોડી નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેમણે તેમની અગાઉની સમિતિના નિર્ણયને સ્વીકારી લીધો છે.


  • Follow us on: