- ભારતીય ટીમ કિવિ ટીમને મજબૂત પડકાર ફેંકી શકે છે
- વિશ્વ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં હવે બેલેન્સ બનાવવું જરૂરી બની ગયું છે
- ન્યૂઝીલેન્ડ જેવા નાના દેશમાં સ્પ્લિટ કેપ્ટન્સી તથા કોચિંગ શક્ય નથી
ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન બનવા તથા મોટી સફળતા હાંસલ કર્યા બાદ હરીફ ટીમોએ પણ ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ ટીમ તથા કોચ રાખવા અંગે વિચારણા શરૂ કરી દીધી છે પરંતુ ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન આ બાબતથી સહમત નથી. તેનું માનવું છે કે ટેલેન્ટ વધારે હોય તો જ આ બાબત શક્ય બની શકે છે. વિલિયમ્સન ભારત જેવી ટીમો પાસે રિઝર્વ પ્લેયર્સના મોટા ગ્રૂપના સંદર્ભમાં આ બાબતને કહી રહ્યો છે કારણ કે, તેનું એવું પણ માનવું છે કે ન્યૂઝીલેન્ડ જેવા નાના દેશમાં સ્પ્લિટ કેપ્ટન્સી તથા કોચિંગ શક્ય નથી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી રમાનારી ટી20 શ્રોણીના સંદર્ભમાં વિલિયમ્સને જણાવ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ઘણા સિનિયર્સ આ શ્રોણીમાં રમી રહ્યા નહીં હોવા છતાં ભારતીય ટીમ કિવિ ટીમને મજબૂત પડકાર ફેંકી શકે છે. વર્તમાન સમયમાં એટલું બધું ભરચક ક્રિકેટ રમાય છે જે માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સહાયક સ્ટાફ માટે પણ પડકારાત્મક છે. પ્રત્યેક બીજા કે ત્રીજા દિવસે મેચ રમાય છે જે અલગ પડકાર પણ છે. વિશ્વભરમાં ત્રણેય ફોર્મેટમાં બેલેન્સ બનાવવું હવે જરૂરી બની ગયું છે. કેટલાક દેશો પાસે મોટી સંખ્યામાં રિઝર્વ ખેલાડીઓ છે. પ્રત્યેક ટીમ પોતાની ક્ષમતાને અનુરૂપ રમવાનો પ્રયત્ન કરે છે.










