- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20
- બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- કોહલી T20Iમાં પ્રથમ વખત ગોલ્ડન ડક
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ ટીમને ત્રીજી ઓવરમાં બે મોટા ઝટકા લાગ્યા હતા. ટીમ ઈન્ડિયાના સૌથી મોટા બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલી પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો અને તેની 14 વર્ષની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં પ્રથમ વખત આ રીતે આઉટ થયો. તેણે છેલ્લી મેચમાં 16 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. ફરીદ અહેમદે તેની વિકેટ લીધી હતી.
109મી ઇનિંગ્સમાં પ્રથમ ગોલ્ડન ડક
વિરાટ કોહલીએ 2010માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે 117 મેચ રમ્યો છે અને 14 વર્ષમાં પ્રથમ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 109મી ઇનિંગ હતી. પરંતુ તે આ ફોર્મેટમાં પ્રથમ વખત ગોલ્ડન ડક એટલે કે પ્રથમ બોલ પર આઉટ થયો હતો.
વિરાટ કોહલીના નામે 117 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 51.7ની સરેરાશથી 4037 રન છે. તે વિશ્વભરમાં સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે. T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 37 ફિફટી અને એક સદી છે. જો વિરાટે આ મેચમાં 6 રન બનાવ્યા હોત તો તે ભારત માટે 12 હજાર T20 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો હોત. પરંતુ તે આ કરી શક્યો નહીં. હવે જો તેને ટીમમાં પસંદ કરવામાં આવે તો તે સીધો T20 વર્લ્ડકપ 2024માં આ ફોર્મેટમાં રમતા જોવા મળશે.
ભારતનો ટોપ ઓર્ડર ધ્વસ્ત
આ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 5મી ઓવર સુધી 22 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં ફરીદ અહેમદને તક મળી અને તેણે યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સંજુ સેમસનને આઉટ કર્યા. અઝમતુલ્લા ઓમરઝાઈએ શિવમ દુબેની વિકેટ લીધી હતી. વિરાટની જેમ સંજુ સેમસન પણ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.