• પૂજારા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની દિલ્હી ટેસ્ટમાં પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમ્યા
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી સીરીઝની ચોથી ટેસ્ટમાં પૂજારા પાસે રેકોર્ડ બનાવવાની તક
  • અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રન બનાવશે તો પૂજારાના 2000 રન ગાવસ્કર ટ્રોફીમાં થઇ જશે

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની દિલ્હી ટેસ્ટમાં પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમીને એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો. આવી સિદ્ધિ મેળવનાર તેઓ 13મા ભારતીય ખેલાડી બન્યા છે. આ સાથે હવે પુજારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં વધુ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશે.

આપને જણાવી દઈએ કે 35 વર્ષના ચેતેશ્વર પુજારા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાના 2000 રન પૂરા કરવાથી માત્ર 9 રન દૂર છે. જો તે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રન બનાવશે તો તેમના નામે વધુ એક મહાન રેકોર્ડ બની જશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ અત્યાર સુધી આ કરિશ્મા કરી શક્યા નથી. ચેતેશ્વરે ઓસ્ટ્રેલિયા સામે BGTમાં રમાયેલી 23 ટેસ્ટ મેચોમાં 11 અડધી સદી અને 5 સદીની મદદથી 1991 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ 204 રન રહ્યો છે.

અત્યાર સુધીમાં 5 બેટ્સમેન આ કરિશ્મા કરી ચુક્યા છે

બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન 2000 રનના આંકને સ્પર્શી શક્યા છે, જેમાં દિગ્ગજ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્કનું નામ સામેલ છે. જો કે સચિન આ લિસ્ટમાં 3262 રન સાથે ટોપ પર છે. ત્યારબાદ 2434 રન સાથે લક્ષ્મણ બીજા સ્થાને, 2143 રન સાથે દ્રવિડ ત્રીજા સ્થાને જ્યારે રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્ક અનુક્રમે 2555 અને 2049 રન સાથે ચોથા અને પાંચમા ક્રમે છે. આ સાથે જ પૂજારા આ ખેલાડીઓની એલિટ ક્લબમાં પણ જોડાશે. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝની વાત કરીએ તો પ્રથમ બે ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી. નોંધપાત્ર વાત એ છે કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મુલાકાતી ટીમના પક્ષમાં રહી હતી. આવી સ્થિતિમાં હવે ચોથી ટેસ્ટ બંને ટીમો માટે ઘણી ખાસ બની રહી છે.

  • Follow us on: