બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા અને 2-0ની લીડ લેવા ઈચ્છે છે. 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા નેટ્સમાં ખૂબ પરસેવો પાડી રહી છે, પરંતુ આ દરમિયાન વિરાટ કોહલીની એક તસવીર સામે આવી છે, જેણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે.
પ્રેક્ટિસ દરમિયાન, મેડિકલ સ્ટાફ કોહલીના જમણા ઘૂંટણ પર પટ્ટી બાંધતો જોવા મળ્યો હતો અને આ ઘટનાની તસવીરો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલીની હાજરી ભારતીય ટીમ માટે ઘણી મહત્વની રહેશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં માત્ર તેનો રેકોર્ડ જ શાનદાર નથી, પર્થ ટેસ્ટમાં તેની સદી પણ તેનું મનોબળ વધારશે. વિરાટ કોહલી બીજી સદી ફટકારતાની સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. હાલમાં સચિન અને વિરાટ બંનેના નામે 9 સદી છે. કોહલીની ફિટનેસ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિન્હો છે, પરંતુ ભારતીય ટીમ માટે સારી વાત એ છે કે કેપ્ટન રોહિત શર્મા સતત નેટમાં ઘણો સમય વિતાવી રહ્યો છે.
એડિલેડ ઓવલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હશે. એડિલેડ ઓવલ મેદાન પર કોહલીનો રેકોર્ડ શાનદાર છે. અત્યાર સુધી તેને આ મેદાન પર રમાયેલી 4 મેચની 8 ઈનિંગ્સમાં 63.63ની શાનદાર એવરેજથી 509 રન બનાવ્યા છે. એડિલેડમાં રમાયેલી 8 ઈનિંગ્સમાં તેને ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે. એટલે કે વિરાટ આ મેદાન પર લગભગ દરેક ત્રીજી ઈનિંગમાં સદી ફટકારે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ એડિલેડમાં પિંક બોલથી રમાશે. અત્યારે તો એવી આશા રાખી શકાય કે વિરાટની ઈજા મોટી ચિંતાનો વિષય ન બને. પિંક બોલની ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 75 છે.