• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
  • આ પહેલા દુલીપ ટ્રોફી અને બુચી બાબુ જેવી ટુર્નામેન્ટ રમાશે
  • આ ટૂર્નામેન્ટમાં પ્રદર્શન કરીને ખેલાડીએ ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છશે

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ પહેલા ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળશે. જેમાં દુલીપ ટ્રોફી અને બુચી બાબુ જેવી ટુર્નામેન્ટ સામેલ છે. આ બંને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ખેલાડીઓ આગામી ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા ઈચ્છશે. હવે બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાને લઈને ટીમ ઈન્ડિયાના ઘાતક બેટ્સમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા અંગે આ ખેલાડીનું કહેવું છે કે તેને કોઈ આશા નથી.

સરફરાઝ ખાનને કોઈ આશા નથી

ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવ્યા બાદ સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સાથે રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. સરફરાઝે આ સિરીઝમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝે શાનદાર ઇનિંગ રમી હતી અને પોતાની ડેબ્યૂ મેચમાં જ ફિફ્ટી ફટકારી હતી. હવે, બાંગ્લાદેશ સાથેની આગામી ટેસ્ટ સિરીઝને લઈને સરફરાઝે કહ્યું, “મને કોઈ આશા નથી… પરંતુ જો મને તક મળશે તો હું રમવા માટે તૈયાર છું. આ હું હંમેશા કરતો આવ્યો છું અને મને તેને બદલવાનું કોઈ કારણ દેખાતું નથી.”

સરફરાઝ ખાનની કારકિર્દી

સરફરાઝ ખાનને આ વર્ષે ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. સરફરાઝે તેની પહેલી જ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝને ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. જેમાં તેણે 3 ફિફ્ટી સાથે 200 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ સામેની સિરીઝમાં મળી શકે તક

જો કે આ પછી તેને ટીમ ઈન્ડિયામાં તક મળી ન હતી. જે બાદ હવે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સાથે હોમ ટેસ્ટ સિરીઝ રમતા જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સરફરાઝને આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક મળે છે કે નહીં?

  • Follow us on: