- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ
- ટેસ્ટમાં શુભમન ગિલ છેલ્લી 10 ઇનિંગ્સમાં ફ્લોપ
- ગિલ તેની પ્રતિભા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ
હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બે દિવસ પહેલા BCCI દ્વારા શુભમન ગિલને 'ક્રિકેટર ઓફ ધ યર'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023 ગિલ માટે સપનાથી ઓછું ન હતું. આ વર્ષે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમાયેલી 48 મેચોમાં, ગીલે 46.82ની એવરેજ અને 101.22ની સ્ટ્રાઈક રેટથી 2154 રન બનાવ્યા. આ દરમિયાન ગિલે 7 સદી અને 10 ફિફટી પણ ફટકારી હતી.
જો કે શુભમન ગિલ સફેદ બોલના ફોર્મેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યો છે, તેમ છતાં તે ટેસ્ટમાં ફ્લોપ રહ્યો છે. ગિલ ફરી એકવાર મળેલી તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો, પરંતુ આ પહેલીવાર નથી જ્યારે ગિલ તેની પ્રતિભા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. આ પહેલા ગિલે સાઉથ આફ્રિકા સામે 4 ઇનિંગ્સમાં 74 રન બનાવ્યા હતા.
શુભમન ગિલની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સ
- 0 વિ. ઈંગ્લેન્ડ, જાન્યુઆરી 2024
- 23 વિ. ઈંગ્લેન્ડ, જાન્યુઆરી 2024
- 10 વિ. સાઉથ આફ્રિકા, જાન્યુઆરી 2024
- 36 વિ. સાઉથ આફ્રિકા, જાન્યુઆરી 2024
- 26 વિ. સાઉથ આફ્રિકા, ડિસેમ્બર 2023
- 2* વિ. સાઉથ આફ્રિકા, ડિસેમ્બર 2023
- 29 વિ. વેસ્ટ ઈન્ડિઝ, જુલાઈ 2023
- 10 વિ. વેસ્ટ ઈન્ડિઝ, જુલાઈ 2023
- 6 વિ. વેસ્ટ ઈન્ડિઝ, જુલાઈ 2023
- 18 વિ. ઓસ્ટ્રેલિયા, જૂન 2023
શુભમન ગિલ તકનીકી રીતે સક્ષમ બેટ્સમેન
શુભમન ગિલ ભારતીય ટીમના તે બેટ્સમેનોમાંના એક છે જેને વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવેલ વારસાને આગળ વધારનાર તરીકે જોવામાં આવે છે. ગિલ તકનીકી રીતે સક્ષમ બેટ્સમેન છે અને તેને શોર્ટ બોલ રમવામાં પણ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જોકે, રેડ બોલ ફોર્મેટમાં ગિલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ટૂંક સમયમાં તેને ટીમમાંથી બહાર કરી શકે છે. ટીમમાં અભિમન્યુ ઇશ્વરન, રજત પાટીદાર, સરફરાઝ ખાન અને અન્ય ઘણા પ્રતિભાશાળી બેટ્સમેન છે જેમને ટીમમાં સ્થાન નથી મળી રહ્યું પરંતુ પોતાના પ્રદર્શનથી પસંદગીના દરવાજા ખટખટાવી રહ્યા છે. શુભમન ગિલ હવે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટેસ્ટ મેચમાં પોતાને સાબિત કરવા અને મોટી ઈનિંગ રમવા માંગશે.