• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
  • પ્રથમ ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી
  • સિરીઝની બીજી મેચ 2 જાન્યુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. હૈદરાબાદ ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડે આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત માટે આ આંચકાથી ઓછું ન હતું. ઈંગ્લેન્ડે એવી મેચ જીતી છે જે ભારત સરળતાથી જીતી શક્યું હોત. હવે સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં વાપસી કરવાનો પૂરો પ્રયાસ કરશે, પરંતુ શું તમે જાણો છો કે આ મેદાન પર ભારતનો રેકોર્ડ શું છે.

વિશાખાપટ્ટનમમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ

ભારતીય ટીમે આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 2 ટેસ્ટ મેચ રમી છે અને તે બંનેમાં ભારતે જીત મેળવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં ભારતની જીતની ટકાવારી 100 ટકા છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ માટે આ મેદાન પર ભારતને પડકાર આપવો સરળ રહેશે નહીં. ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ 2016માં અહીં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ભારતે આ મેચ 246 રને જીતી લીધી હતી. આ સિવાય ભારતે અહીં વર્ષ 2019માં સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચ રમી હતી, આ મેચમાં પણ ભારતે 203 રનથી જીત મેળવી હતી. ભારતે અહીં બંને મેચ એકતરફી જીતી છે. આવી સ્થિતિમાં ભારત બીજી ટેસ્ટ મેચ જીતે તેવી શક્યતા વધુ છે.

બીજી ટેસ્ટ પહેલા ભારતને 2 ખેલાડી ટીમમાંથી બહાર

બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ સિરીઝની પ્રથમ 2 મેચમાંથી પોતાનું નામ પહેલા જ પાછું ખેંચી લીધું હતું. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ઈજાગ્રસ્ત છે, હવે ભારતને વધુ 2 મોટા ઝટકા લાગ્યા છે. આનાથી ભારતીય ટીમની કમર તૂટી ગઈ છે. ભારતનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ હૈદરાબાદ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ સિવાય ભારતનો સ્ટાર ખેલાડી કેએલ રાહુલ પણ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારત માટે બીજી ટેસ્ટમાં વાપસી કરવી શક્ય બનશે કે કેમ તે જોવું રહ્યું.

  • Follow us on: