- પીઠ દર્દના કારણે અય્યરે મેચ રમવાની ના પાડી
- નેશનલ ક્રિકેટ અકેડમીની તરફથી અય્યર સંપૂર્ણ રીતે ફીટ
- ચોથી ટેસ્ટ મેચમાંથી પણ બહાર છે અને આઈપીએલમાં રમવા અંગે અસમંજસ
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર કમરના દુખાવવાના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો. જે બાદ શ્રેયસ અય્યરે રણજી ટ્રોફી 2024માં મુંબઈ તરફથી મેચ રમવાની હતી પરંતુ કમરના દુખાવાના કારણે અય્યરે મેચ રમવાની ના પાડી દીધી હતી. જે બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ઐયરની ઈજાને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે અય્યર હાલમાં સંપૂર્ણ રીતે ફીટ છે. તો પછી અય્યરે શા માટે ના પાડી તે સમજી શકાતું નથી, ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ આ વાતને લઈને નારાજ થશે.
'ફીટ હોવા છતાં રણજી મેચ નથી રમી'
મળી રહેલી માહિતિ મુજબ, શ્રેયસ અય્યરે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને તેની ઈજા અંગે જાણ કરી હતી કે તે કમરના દુખાવાના કારણે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જે પછી નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન, નીતિન પટેલે પસંદગીકારોને એક ઇમેઇલમાં પુષ્ટિ કરી કે શ્રેયસ અય્યર ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. ટીમ ઈન્ડિયામાંથી તેની વિદાય બાદ હાલમાં કોઈ નવી ઈજાના સમાચાર નથી. વાસ્તવમાં શુક્રવારે રણજી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈનો સામનો બરોડા સામે થશે. અય્યર હવે આ મેચમાં નહીં રમે.
શું આઈપીએલ 2024 રમશે અય્યર?
ઈંગ્લેન્ડની સાથે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાંથી પણ તે બહાર છે. જો કે તેની ઈજાને લઈને કોઈ અપડેટ સામે આવ્યું નથી. એવામાં ફેન્સના મનમાં સવાલ છે કે તે આઈપીએલ 2024 રમશે કે નહીં. તે આઈપીએલ પહેલા ફિટ થઈ શકશે?
ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં અય્યરનું પ્રદર્શન
ઈંગ્લેન્ડની સામે સીરીઝની પહેલી 2 મેચમાં અય્યરનો રોલ ખાસ જોવા મળ્યો નથી. આ પછી અય્યર પર અનેક સવાલો પણ થઈ રહ્યા છે. પહેલી મેચમાં બંને ઈનિંગમાં અય્યરે ક્રમશઃ 35, 13 અને બીજી મેચમાં બંને ઈનિંગમાં 27,39 રન બનાવ્યા હતા. હવે સીરિઝની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં સીરીઝમાં 2-1થી આગળ છે.