શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી છે. શુભમન ગિલની વનડે કારકિર્દીની આ 7મી સદી છે. ભારતીય ઓપનરે 95 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ સિવાય અત્યાર સુધીમાં તેને પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.


ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા વહેલા પેવેલિયન પરત ફર્યો, પરંતુ આ પછી શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે 116 રનની શાનદાર ભાગીદારી થઈ. 55 બોલમાં 52 રન બનાવીને વિરાટ કોહલી પેવેલિયન પાછો ફર્યો, પરંતુ શુભમન ગિલે પોતાની મજબૂત બેટિંગ ચાલુ રાખી.

શુભમન ગિલે 50મી વનડેને બનાવી યાદગાર

શુભમન ગિલે પોતાની 50મી વનડેમાં સદી ફટકારી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય છે. આ તેની વનડે કારકિર્દીની 7મી સદી પણ છે. તેને 95મા બોલ પર પોતાની સદી પૂર્ણ કરી.


ગિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

  • ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેને સૌથી ઝડપી 2500 રન બનાવીને દક્ષિણ આફ્રિકા માટે હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો. અમલાએ આ સિદ્ધિ 53 ઈનિંગ્સમાં હાંસલ કરી હતી જ્યારે ગિલે માત્ર 50 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
  • શુભમન ગિલ એવા ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે જેને ODI ક્રિકેટમાં રમાયેલી દ્વિપક્ષીય સિરીઝની દરેક મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. ગિલ પહેલા, એમએસ ધોની અને શ્રેયસ ઐયર સહિત 6 ભારતીય બેટ્સમેન આ કરી ચૂક્યા છે.
  • શુભમન ગિલ 7 ODI સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી પણ બની ગયો છે. તેને 50 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા, તે સૌથી ઓછી ઈનિંગ્સમાં 6 ODI સદી ફટકારનાર ભારતીય ખેલાડી પણ બન્યો હતો.
  • શુભમન ગિલ પ્રથમ 50 વનડે ઈનિંગ્સમાં શ્રેષ્ઠ એવરેજ ધરાવતો ખેલાડી પણ બની ગયો છે. પહેલી 50 ઈનિંગ્સમાં તેની એવરેજ 60.16 રહી છે.

શુભમન ગિલ આ ખાસ લિસ્ટનો બન્યો ભાગ

આ સિવાય શુભમન ગિલનું નામ ખૂબ જ ખાસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. શુભમન ગિલ એવા બેટ્સમેનોના લિસ્ટમાં જોડાઈ ગયો છે જેને એક જ મેદાન પર ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટ સિવાય શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI અને T20 ફોર્મેટમાં સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ફાફ ડુ પ્લેસિસનું નામ આ લિસ્ટમાં સામેલ છે. ફાફ ડુ પ્લેસિસે જોહાનિસબર્ગના મેદાન પર ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. જ્યારે ડેવિડ વોર્નરે એડિલેડ ઓવલના મેદાન પર આ સિદ્ધિ મેળવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ સિવાય ODI અને T20 ફોર્મેટમાં સદી ફટકારી છે. આ સિવાય ક્વિન્ટન ડી કોકે સેન્ચુરિયનમાં આ સિદ્ધિ મેળવી છે.

  • Follow us on: