ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 24 મેના રોજ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટે ટીમમાં 18 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી છે. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા રોહિત શર્માનું સ્થાન શુભમન ગિલે લીધું છે.


શુભમન ગિલ કેપ્ટન બનશે તે પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવતું હતું. એનો અર્થ એ થયો કે તેમને કેપ્ટન બનાવવાનો નિર્ણય આશ્ચર્યજનક ન હતો. આ પ્રવાસ માટે, BCCI એ અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સુદર્શન-અર્શદીપ સિંહની એન્ટ્રી

ઓપનર સાઈ સુદર્શન અને લેફ્ટ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની ટીમમાં એન્ટ્રી થઈ છે. બંને ખેલાડીઓને પહેલી વાર ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. સુદર્શન અને અર્શદીપ બંને ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં શાનદાર ફોર્મમાં છે.

કરુણ-શાર્દુલનું કમબેક

મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર અને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ ટીમમાં પરત ફર્યા છે. કરુણે માર્ચ 2017 માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ તે ટીમની બહાર હતો. જ્યારે શાર્દુલે ભારત માટે છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં રમી હતી.

રિષભ પંતને બનાવવામાં આવ્યો વાઈસ-કેપ્ટન

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જસપ્રીત બુમરાહ ટીમના વાઈસ-કેપ્ટન હતો અને તેને તે પ્રવાસમાં બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું, પરંતુ હવે તેમને આ રોલમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે.

સરફરાઝ ખાન થયો ડ્રોપ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન પણ ટીમનો ભાગ હતો, જેને હવે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સરફરાઝ ખાન કરતાં કરુણ નાયરને પસંદગી મળી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું કે આ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હતો, તે હંમેશા કોઈની સાથે અન્યાયી હોય છે પરંતુ તમારે પસંદગી કરવી પડશે.

શમીના કમબેક માટે જોવી પડશે રાહ

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું હતું કે શમી ટેસ્ટ ટીમમાં પાછો ફરી શકે છે. પરંતુ હવે તે સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં. અજિત અગરકરના જણાવ્યા મુજબ, મેડિકલ ટીમે તેમને કહ્યું હતું કે શમી હાલમાં ફિટ નથી.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈસ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યુલ

પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025 - હેડિંગ્લી, લીડ્સ

બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંગહામ

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન


  • Follow us on: