- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
- ભારતીય ટીમ પ્રથમ દાવમાં 396 રનમાં ઓલઆઉટ
- ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 253 રનમાં ઓલઆઉટ
બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 28 રન છે. આ રીતે ભારતની લીડ વધીને 171 રન થઈ ગઈ છે. રોહિત શર્મા 13 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલ 15 રન બનાવીને ક્રિઝ પર છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 396 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. જ્યારે પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 209 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, ભારતીય ટીમ ત્રીજા દિવસે 28 રનથી આગળ રમવાની શરૂઆત કરશે.
Day-2: ત્રીજો સેશન
ભારતીય ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ટી20 સ્ટાઈલમાં બેટિંગ કરી રહ્યા છે. બંને બેટ્સમેન ઈંગ્લિશ બોલરો સામે આસાનીથી શોટ ફટકારી રહ્યા છે. ભારતનો સ્કોર 5 ઓવર પછી 28 રન છે. આ રીતે ટીમ ઈન્ડિયાની લીડ વધીને 171 રન થઈ ગઈ છે.
ભારતની ઈનિંગ શરૂ
ભારત તરફથી બીજા દાવ માટે રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.
ઈંગ્લેન્ડની ઈનિંગ
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતે 143 રનની લીડ મેળવી છે. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલીએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. 78 બોલનો સામનો કરીને તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બેન સ્ટોક્સ 47 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટોએ 25 રનનું યોગદાન આપ્યું હતું. હાર્ટલી 21 રન બનાવીને આઉટ થયો હતો.
બુમરાહે ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી અને 6 વિકેટ લીધી. તેણે 15.5 ઓવરમાં 45 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 17 ઓવરમાં 71 રન આપીને 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી
ટોમ હાર્ટલી આઉટ: ઈંગ્લેન્ડની 9મી વિકેટ ટોમ હાર્ટલીના રૂપમાં પડી હતી. તે 24 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. હાર્ટલીએ 2 ફોર અને 1 સિકસર ફટકારી હતી. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 239 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ ભારતથી 157 રન પાછળ છે.
બેન સ્ટોક્સ આઉટ: ભારતીય ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને જસપ્રિત બુમરાહે બોલ્ડ કર્યો છે. બેન સ્ટોક્સે 54 બોલમાં 47 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 230 રન છે. હાલ ઈંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે 166 રન પાછળ છે.
રેહાન અહેમદ આઉટ: કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા અપાવી હતી. રેહાન અહેમદ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપે તેને પેવેલિયનમાં મોકલી દીધો. ઈંગ્લેન્ડે 42.3 ઓવરમાં 182 રન બનાવ્યા છે.
બેન ફોક્સ આઉટ: ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ બેન ફોક્સના રૂપમાં પડી હતી. તે 10 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે 38.2 ઓવરમાં 172 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સ 14 રન બનાવીને ઈંગ્લેન્ડ તરફથી રમી રહ્યો છે. બીજા છેડે રેહાન અહેમદ બેટિંગ કરવા આવ્યો છે.
જોની બેરસ્ટો આઉટ: ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી હતી. જોની બેરસ્ટો 39 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર ફટકારી હતી. જસપ્રીત બુમરાહે બેયરસ્ટોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે 36 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા છે. હવે બેન સ્ટોક્સ અને ફોક્સ બેટિંગ કરી રહ્યા છે.
Day-2: બીજો સેશન સમાપ્ત
ઇંગ્લેન્ડે ટી બ્રેક સુધી પ્રથમ દાવમાં 4 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. બેયરસ્ટો 28 બોલમાં 24 રન બનાવીને અણનમ છે. તેણે 4 ફોર ફટકારી છે. સ્ટોક્સ 5 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી છે.
જો રૂટ આઉટ: ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી. જસપ્રીત બુમરાહે રૂટ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રૂટ 10 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. તેને શુભમન ગીલના કેચ કરાવ્યો હતો. ઈંગ્લેન્ડે 25.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા છે. જોની બેરસ્ટો અને ઓલી પોપ બેટિંગ કરી રહ્યા છે.
જેક ક્રોલી આઉટ: ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી હતી. જેક ક્રોલી 78 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. ઈંગ્લેન્ડે 23 ઓવરમાં 118 રન બનાવ્યા છે. ઓલી પોપ અને જો રૂટ બેટિંગ કરી રહ્યા છે. પોપ 17 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ ભારતથી 278 રન પાછળ છે.
જેક ક્રોલીની શાનદાર ફિફ્ટી
ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલીએ શાનદાર ફિફટી ફટકારી હતી. તે 58 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે. ઓલી પોપ 2 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના બોલરો વિકેટની શોધમાં છે.
બેન ડકેટ આઉટ: કુલદીપ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે બેન ડકેટને આઉટ કર્યો હતો. ડકેટ 21 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે 10.2 ઓવરમાં 59 રન બનાવ્યા છે. હવે જેક ક્રોલી અને ઓલી પોપ બેટિંગ કરી રહ્યા છે.
Day-2: પ્રથમ સેશનની રમત સામાપ્ત
ઈંગ્લેન્ડે 6 ઓવર પછી 32 રન બનાવ્યા હતા. ક્રાઉલી 15 રન બનાવીને રમી રહ્યો છે. બેન ડકેટ 8 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ફોર ફટકારી છે. ભારત તરફથી બોલિંગ કરતી વખતે બુમરાહે 2 ઓવરમાં 6 રન આપ્યા અને 1 મેડન ઓવર નાખી. મુકેશ કુમારે 2 ઓવરમાં 22 રન આપ્યા છે. કુલદીપ અને અશ્વિને પણ એક-એક ઓવર ફેંકી હતી.
ઈનિંગ શરૂ
બેન ડકેટ અને જેક ક્રોલી ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ કરવા પહોંચ્યા છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે. ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 396 રન બનાવ્યા હતા.
બંને દેશની પ્લેઈંગ-11
ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ.
ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન
વિશાખાપટ્ટનમની પિચનો મિજાજ
વિશાખાપટ્ટનમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ હોય છે. જોકે, સ્પિનરોને ધ્યાનમાં રાખીને ધીમી પીચ હોઈ શકે છે. શ્રેણીમાં ભારતીય ટીમ પાછળ હોવાને કારણે અહીં રેન્ક ટર્નર મળશે નહીં. બોલરોને ત્રીજા દિવસથી અહીં સ્પિનમાં મદદ મળી શકે છે. બંને ટીમોમાં સ્પિનરોની કોઈ કમી નથી.










