ન્યુઝીલેન્ડે ભારત સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ઈતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડ ભારત આવીને ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતનો વ્હાઈટવોશ કરનાર વિશ્વ ક્રિકેટની પ્રથમ ટીમ બની છે. મુંબઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 25 રને હરાવ્યું હતું.
ભારતીય ટીમને જીતવા માટે માત્ર 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ ભારતીય ટીમ તેની બીજી ઈનિંગમાં માત્ર 121 રન જ બનાવી શકી હતી. કિવી ટીમ માટે એજાઝ પટેલે બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી તરફ ભારતીય ટીમને 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ મળી છે.
ન્યુઝીલેન્ડે રચ્યો ઈતિહાસ
ટીમ ઈન્ડિયાએ 1933-34માં પ્રથમ વખત ઘરની ધરતી પર ટેસ્ટ સિરીઝ રમી હતી, જે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ હતી, જેમાં ઈંગ્લેન્ડ 2-0થી જીત્યું હતું. હવે ન્યુઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની છે, જેણે ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને 3-0થી હરાવ્યું છે. ન્યુઝીલેન્ડે ટોમ લાથમની કેપ્ટન્સીમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
જો 1933 થી જોવામાં આવે તો લગભગ 91 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયા નાના ટાર્ગેટમાં રહી નિષ્ફળ
મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ હતો. નાના રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમ ઘણી વખત નિષ્ફળ ગઈ હતી. ટીમે કેપ્ટન રોહિત શર્માની પહેલી વિકેટ 13 રને ગુમાવી દીધી, ત્યારપછી વિકેટો પડવાની પ્રક્રિયા અટકી નહીં. ભારતે માત્ર 29 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાને આખરે હારનો સામનો કરવો પડ્યો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન રિષભ પંતે ભારત માટે સૌથી મોટી ઈનિંગ રમી અને 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. આ દરમિયાન ટીમના કુલ આઠ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.
ટીમ ઈન્ડિયાની શરમજનક હાર
મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને બોર્ડ પર 235/10 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 263/10 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા દાવમાં બેટિંગ કરવા આવેલી ન્યુઝીલેન્ડ માત્ર 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા જીતશે, પરંતુ કમનસીબે ટીમ ઈન્ડિયા 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.