• આજે  T20 વર્લ્ડકપની મોસ્ટ અવેઇટેડ મેચમાં ભારત-પાકિસ્તાનની ટક્કર
  • ન્યૂયોર્કમાં ટોસના સમયે વરસાદની 40 થી 50% સંભાવના
  • ન્યૂયોર્કની પિચ પર ઝડપી બોલરોને મદદ મળી રહી છે

આજે ભારતીય ટીમ T20 વર્લ્ડકપની મોસ્ટ અવેઇટેડ મેચમાં નાસાઉ કાઉન્ટીની મુશ્કેલ પિચ પર કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. જો પહેલી મેચમાં અમેરિકા સામે હારેલી પાકિસ્તાની ટીમ ભારત સામે હારી જશે તો સુપર-8 તબક્કામાં તેનો પ્રવેશ લગભગ અશક્ય બની જશે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ISIS તરફથી મળેલી આતંકવાદી ધમકીને પગલે, મેચ માટે વિસ્તૃત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.

પિચ રિપોર્ટ

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂયોર્કમાં ભારતની પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરી દીધું હતું. તે જ સમયે, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં માત્ર નિમ્ન સ્કોર જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે ન્યૂયોર્કની નવી પિચો બોલરોને મદદ કરી રહી છે.

હવામાન અપડેટ્સ

ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થનારી આ શાનદાર મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ટોસના સમયે વરસાદની 40 થી 50% સંભાવના છે. જો કે, બપોરે 1 વાગ્યે વરસાદની સંભાવના ઘટીને 10% થઈ જશે, પરંતુ બપોરે 3 વાગ્યે ફરી 40% સુધી પહોંચી શકે છે.

ઝડપી બોલર્સને મળશે મદદ

ન્યૂયોર્કની પિચ પર ઝડપી બોલરોને મદદ મળી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ અને મોહમ્મદ આમિર બોલ સાથે અજાયબી કરે તો નવાઈ નહીં. તે જ સમયે ભારતીય ટીમ પણ પ્રથમ મેચ જીત્યા બાદ શાનદાર ફોર્મમાં છે. એકંદરે એમ કહેવું ખોટું નહીં હોય કે આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની છે.

પાકિસ્તાન સામે કેવો રહ્યો છે વિરાટનો રેકોર્ડ

રેકોર્ડની વાત કરીએ તો વિરાટ કોહલી પાકિસ્તાન સામે ભારતનો 'માસ્ટર માઈન્ડ' રહ્યો છે. વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વર્ચસ્વ જમાવ્યું છે. T20 ઈન્ટરનેશનલમાં કોહલીએ પાકિસ્તાન સામે 10 ઇનિંગ્સમાં 81.33ની એવરેજથી રન બનાવ્યા છે. આ ટીમ સામે વિરાટની સ્ટાઈલ અન્ય ટીમો કરતા એકદમ અલગ છે અને જ્યાં સુધી તે ક્રિઝ પર રહે છે ત્યાં સુધી તે પાકિસ્તાનના બોલરોને પરસેવો પાડતો રહે છે.

પાકિસ્તાન સામે ભારતનો દબદબો, જીતશે ટીમ ઈન્ડિયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 12 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 9 અને પાકિસ્તાને 3માં જીત મેળવી છે. 2021થી સ્થિતિ સમાન છે, કારણ કે બંને ટીમો વચ્ચે રમાયેલી ચાર T20 મેચોમાં બંનેએ 2-2 મેચ જીતી છે. આ આંકડા T20 વર્લ્ડ કપમાં ભારતની તરફેણમાં વધુ મજબૂત રીતે જાય છે કારણ કે ભારતે 7માંથી 6 મેચ જીતી છે.

શું આજે પાકિસ્તાનની થશે જીત?

પાકિસ્તાનને આ મેચમાં વધુ ફાયદો થશે કારણ કે ઓછામાં ઓછું તેનું ખાતું ખુલશે. નહિંતર પાકિસ્તાન અને ભારત જે પ્રકારના ફોર્મમાં છે તેમાં પાકિસ્તાનની જીતની કોઈ આશા નથી. જો તેને 1 પોઈન્ટ મળે છે તો તે આગામી 2 મેચમાં કેનેડા અને આયર્લેન્ડને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી શકે છે. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાની વાત છે તો તેનાથી બહુ ફરક નહીં પડે કારણ કે આ પછી ટીમ ઈન્ડિયા અમેરિકા અને કેનેડાનો સામનો કરશે અને ત્યાં જીત તેમના માટે બહુ મુશ્કેલ નહીં હોય.

પાકિસ્તાને નાસાઉ સ્ટેડિયમમાં નથી રમી એકપણ મેચ

પાકિસ્તાનની ટીમે નાસાઉ સ્ટેડિયમમાં હજુ સુધી કોઈ મેચ રમી નથી. પહેલી મેચમાં અમેરિકા સામે હારેલી પાકિસ્તાની ટીમ ગુરુવારે રાત્રે જ અહીં પહોંચી હતી. તેમને પરિસ્થિતિને અનુકૂળ થવાની તક મળી નથી, જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે. જો તેઓ ભારત સામે હારી જશે તો સુપર -8 તબક્કામાં પ્રવેશવાનો તેમનો રસ્તો લગભગ અશક્ય બની જશે.

નવી પિચના કારણે કુલદીપને તક મળે તેવા સંકેત

આયરલેન્ડ સામે ભારતે સ્પિનર કુલદીપ યાદવને બહાર રાખીને એક એક્સ્ટ્રા પેસ બોલર રમાડયો હતો પરંતુ નાસાઉ સ્ટેડિયમમાં ઇન્ડો-પાક. મુકાબલો નવી પિચ ઉપર રમાવાનો હોવાના કારણે તથા પાકિસ્તાની બેટ્સમેનો ખાસ કરીને બાબર આઝમ સામે કુલદીપની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને તેને રમાડવામાં આવી શકે છે. આ સ્થિતિમાં જાડેજા અથવા અક્ષરે બહાર બેસવું પડશે. પેસ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ સંભાળશે.

T20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો, આજે ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

આજે રાત્રે 8 વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ. નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ. વિશ્વની નજર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલા પર. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 વખત હરાવ્યું. વિરાટ કોહલીના પ્રદર્શન પર બધાની નજર

જડબેસલાક સુરક્ષા

ટૂર્નામેન્ટની શરૂઆતમાં આતંકવાદી સંગઠન દ્વારા મળેલી ધમકીના પગલે ભારત અને પાકિસ્તાનની મેચ માટે ચોમેર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પૂરા સ્ટેડિયમની આસપાસ સ્નાઇપર્સ અત્યાધુનિક ગન્સ સાથે તૈનાત રહેશે.

અમેરિકનોમાં પણ મેચનો ક્રેઝ

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહેતા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોની લાંબી રાહ હવે પૂરી થવા જઈ રહી છે કારણ કે ક્રિકેટની સૌથી મોટી હરીફાઈ દુનિયાના તે ભાગમાં પહેલીવાર જોવા મળશે અને તે દિવસ આવી ગયો છે. T20 વર્લ્ડ કપ 2024 ની સૌથી મોટી મેચ 9 જૂન, રવિવારના રોજ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચને લઈને ઘણી ઉત્સુકતા છે અને આ ઉત્સુકતા માત્ર અમેરિકાના પ્રવાસીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોમાં છે. હવે જો કોઈ આ ઉત્તેજના અને રોમાંચને બગાડે તો બધી મજા બરબાદ થઈ જાય. આવું જ કંઈક આ મેચમાં થઈ શકે છે અને ચાહકોની રાહ વધુ લંબાઈ શકે છે.

પાકિસ્તાને પણ સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે

ભારતીય દિગ્ગજ ખેલાડીઓ પૂરા આત્મવિશ્વાસ સાથે ટીમ ઈન્ડિયાની જીતનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. સ્મિથ અને મૂડી જેવા વિદેશી ક્રિકેટ નિષ્ણાતો પણ કહે છે કે જીતમાં ટીમ ઈન્ડિયાનું નામ હશે. પરંતુ જ્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોને મેચની આગાહી કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેઓ પણ ભારતીય ટીમ તરફ વધુ ઝુક્યા હતા. વસીમ અકરમે કહ્યું છે કે ટીમ ઈન્ડિયાની જીતની શક્યતા 60 ટકા છે અને પાકિસ્તાનની જીતની શક્યતા 40 ટકા છે. વકારે કહ્યું કે તે નિષ્ઠાપૂર્વક ઈચ્છે છે કે પાકિસ્તાન જીતે પરંતુ તેણે આ વાત પૂરી ખાતરી અને આત્મવિશ્વાસ સાથે નથી કહી. રમીઝ રાજાએ પણ પાકિસ્તાન પર ભારતની શ્રેષ્ઠતાનો સીધો જ સ્વીકાર કર્યો છે.

ભારત સામે હાર્યા પછી પણ પાકિસ્તાન કરશે ક્વોલિફાય?

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો ચોક્કસપણે છે પરંતુ તેમ છતાં તે આ મેચમાં ટકી શકે છે. આ માટે તેણે કોઈપણ ભોગે આયર્લેન્ડ અને કેનેડા સામે તેની બાકીની બંને મેચ જીતવી પડશે. એટલું જ નહીં ભારત અને અમેરિકા તરફથી નેટ રન રેટ સુધારવા માટે તેને મોટા માર્જિનથી જીતવું પડશે. પાકિસ્તાન ભારત સામે હારી જાય પછી અમેરિકા એક પણ મેચ જીતે તો તેને 6 પોઈન્ટ મળશે અને પાકિસ્તાનની ટીમ બહાર થઈ જશે. આથી પાકિસ્તાની ટીમે પણ આશા રાખવી પડશે કે અમેરિકન ટીમ ભારત અને આયર્લેન્ડ સામે મોટા માર્જિનથી હારે. જો આમ થશે તો અમેરિકા અને પાકિસ્તાનના 4-4 પોઈન્ટ હશે અને તેમનો નેટ રન રેટ વધુ સારો થશે. આ સાથે પાકિસ્તાનની ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ જશે.


પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11: મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, આઝમ ખાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, નસીમ શાહ, અબરાર અહેમદ.

ભારતની સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.

  • Follow us on: