- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ
- સાઉથ આફ્રિકાના કેપટાઉન સ્ટેડિયમમાં મેચ
- પ્રથમ મેચમાં ભારતનો ઈનિંગ અને 32 રને પરાજય
આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચ હારી ગઈ છે. આ સાથે સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે. હવે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ સિરીઝ ડ્રો કરવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો અહીં રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. અહીં ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 4માં હાર થઈ છે અને 2 મેચ ડ્રો રહી છે. એટલે કે તે આજ સુધી કેપટાઉનમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. ભારતીય ટીમ કેપટાઉનમાં પોતાના ખરાબ રેકોર્ડને પણ સુધારવાનો પ્રયાસ કરશે.
દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ પુરો થયો છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા 55 રન પર ઓલ આઉટ થઇ ગયું હતુ. આ પછી ભારત બેટીંગ કરવા આવ્યું હતુ. ભારતે 153 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે 98 રનની લીડ મેળવી લીધી હતી. બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી 62 રન બનાવ્યા છે. ઓપનર એડન માર્કરમ 36 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે તેને સાથ આપવા ડેવિડ બેડિંગહામ 7 રન બનાવીને અણનમ છે. બીજી ઇનિંગમાં મુકેશ કુમારને 2 તથા બુમરાહને 1 સફળતા મળી હતી. આજના દિવસની રમત પુરી થઇ છે.
સ્ટબ્સ આઉટ: ભારતને ત્રીજી સફળતા મળી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સ બુમરાહના બોલ પર કેએલ રાહુલને કેચ આપી બેઠો હતો. આ સાથે ભારત હજુ 53 રનની લીડ પર છે.
જોર્જી આઉટ: 13મી ઓવર લઇને આવેલા મુકેશ કુમારે ભારતને બીજી સફળતા અપાવી છે. મુકેશ કુમારે ટોની ડી જોર્જીને 1 રન પર આઉટ કર્યો હતો. આ સાથે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 41/2 પર પહોંચ્યો છે. આ સાથે હજુ ભારત પાસે 57 રનની લીડ છે.
એલ્ગર આઉટ: બીજી ઇનિંગમાં ભારતને પ્રથમ સફળતા મળી છે. મુકેશ કુમારે ભારતને પહેલી વિકેટ અપાવી છે. ડિન એલ્ગરને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ભારતના ઓલ આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ શરૂ થઇ છે. એડન માર્કરમ અને ડીન એલ્ગર ઓપનિંગ કરવા આવ્યા છે. ભારત તરફથી જસપ્રિત બુમરાહ ઇનિંગની પ્રથમ ઓવર નાખશે.
ભારતની ઈનિંગ શરૂ
ભારત ઓલ આઉટ: ભારતે છેલ્લી ઓવરોમાં ઘણી વિકેટ્સ ખોઇ દીધી છે. ભારતે 34.5 ઓવર રમી હતી જેમાં 153 રન બનાવ્યા હતા. આ સાથે બારત માટે સૌથી મોટી ઇનિંગ વિરાટ કોહલીએ રમી હતી. ઓલ આઉટ થતા સુધીમાં ભારતે 98 રનની લીડ બનાવી છે. ઓસ્ટ્રેલિયન બોલરની વાત કરીયે તો નાન્દ્રે બર્ગર, કગીસો રબાડા અને લુંગી એનગિડીએ 3-3-3 વિકેટ ઝડપી ભારતીય ટીમને પેવેલિયન મોકલી હતી.
સિરાજ આઉટ: કોહલીના આઉટ થયા બાદ પ્રસિદ્ધ ક્રિષ્ના અને સિરાજ બેટિંગ કરવા મેદાન પર આવ્યા હતા. ક્રિષ્નાએ બોલને ફટકારતા સિરાજ રન લેવા દોડ્યો હતો. ક્રિષ્નાએ રન લેવાની મનાઇ કરતા સુધીમાં બહું મોડુ થઇ ગયું હતુ અને મોહમ્મદ સિરાજ રન આઉટ થયો હતો.
કોહલી આઉટ: ભારતને મોટો ઝટકો લાગ્યો છે. રબાડાની ઓવરમાં વિરાટ કોહલી આઉટ થયો છે. કોહલી 46 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે દક્ષિણ આફ્રિકા ભારતને મોટી લીડ બનાવતા રોકવામાં વધુ એક ડગલું આગળ ભર્યું છે.
બુમરાહ આઉટ: લુંગી એનગિડીએ 34મી ઓવરમાં કહેર મચાવ્યો છે. પોતાના સ્પેલની 6ઠ્ઠી ઓવર નાખવા આવેલ એનગિડીએ એક જ ઓવરમાં 3 વિકેટ લીધી છે. આ સાથે ભારતે 7 વિકેટ ગુમાવી દીધી છે.
જાડેજા આઉટ: ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજા 0 પર આઉટ થયો છે. જાડેજા એનગિડીના બોલને ઓળખી શક્યો ન હતો અને ભુલ કરી પોતાની વિકેટ ગુમાવી હતી. હવે કોહલી અને બુમરાહ મેદાન પર બેટિંગ કરી રહ્યાં છે.
રાહુલ આઉટ: ભારતને કેએલ રાહુલના નામે પાંચમો ઝટકો લાગ્યો છે. રાહુલ 8 રન બનાવી લુંગી એનગિડીના બોલ પર આઉટ થયો છે. હવે કોહલી સાથ આપવા રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર આવ્યો છે.
ઐયર આઉટ: નાન્દ્રે બર્ગરને ત્રીજી સફળતા મળી છે. શ્રેયસ ઐયર 0 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ગેમમાં વાપસી કરી છે.
ગિલ આઉટ: નાન્દ્રે બર્ગરના બોલ પર શુભમન ગિલ આઉટ થયો છે. ગિલે 5 ફોરની મદદથી 36 રન બનાવ્યા હતા. આ સાથે ભારતનો સ્કોર 105/3 થયો છે.
રોહિત આઉટ: નાન્દ્રે બર્ગરના બોલ પર રોહિત શર્મા આઉટ થયો છે. રોહિત શર્માએ માર્કો જેન્સનને હાથમાં કેચ આપી દીધો હતો. દક્ષિણ આફ્રિકાને આ વિકેટની જરૂર હતી અને બર્ગરે તેને અપાવી છે. રોહિત શર્મા 39 રન બનાવી પવેલીયન પરત ફર્યો.
જયસ્વાલ આઉટ: ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. કાગીસો રબાડાએ યશસ્વી જયસ્વાલને બોલ્ડ આઉટ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. હવે ભારતનો સ્કોર 1 વિકેટે 20 રન છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચમા આફ્રિકા પ્રથમ દાવમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.
સાઉથ આફ્રિકાની ઈનિંગ શરૂ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચ ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટનનો આ નિર્ણય ખોટો સાબિત થયો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા. ભારત તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.
કેશવ મહરાજ આઉટ: સાઉથ આફ્રિકાને આઠમો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મુકેશ કુમારે પ્રથમ સફળતા મેળવી છે. સાઉથ આફ્રિકાની ટીમ મુશ્કેલીમાં છે. આફ્રિકાની આઠમી વિકેટ માત્ર 46 રનના સ્કોર પર પડી હતી. મુકેશ કુમારે કેશવ મહારાજને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
યાન્સન આઉટ: મોહમ્મદ સિરાજે માર્કો યાન્સનને આઉટ કર્યો હતો. આ રીતે સાઉથ આફ્રિકાને છઠ્ઠો ફટકો પડ્યો છે. આ સાથે જ મોહમ્મદ સિરાજને પાંચમી સફળતા મળી છે. સાઉથ આફ્રિકાનો સ્કોર 6 વિકેટે 34 રન છે. મોહમ્મદ સિરાજે અત્યાર સુધી 5 વિકેટ લીધી છે. આ સિવાય જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી છે.
બેડિંગહામ આઉટ: સાઉથ આફ્રિકાનો પાંચમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. મોહમ્મદ સિરાજે ડેવિડ બેડિંગહામને આઉટ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે મોહમ્મદ સિરાજના બોલ પર ડેવિડ બેડિંગહામનો કેચ પકડ્યો હતો. હવે આફ્રિકાનો સ્કોર 5 વિકેટે 34 રન છે.
જ્યોર્જી આઉટ: સાઉથ આફ્રિકાએ 15ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. સિરાજને ત્રીજી સફળતા મળી છે. જ્યોર્જી બે રન બનાવીને પેવેલિયન પરત ફરી રહ્યો છે. ભારતે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
સ્ટબ્સ આઉટ: બુમરાહે ડેબ્યૂ કરનાર ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ લીધી છે. આફ્રિકાએ 11ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારતીય બોલરોએ શાનદાર શરૂઆત આપી છે. શ્રેણીમાં પુનરાગમન કરવા માટે ભારત આનાથી વધુ સારા પ્રદર્શનની કલ્પના પણ કરી શક્યું ન હતું.
એલ્ગર આઉટ: કેપટાઉનમાં સિરાજ તબાહી મચાવી રહ્યો છે. સિરાજે છેલ્લી મેચના હીરો એલ્ગરને બોલ્ડ આઉટ કર્યો હતો. સાઉથ આફ્રિકાએ માત્ર 8 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. ભારતીય બોલિંગ સામે આફ્રિકાના બેટ્સમેનો લાચાર દેખાઈ રહ્યા છે.
માર્કરમ આઉટ: ભારતને ચોથી ઓવરમાં જ પ્રથમ સફળતા હતી. સિરાજે માર્કરામને પેવેલિયન પરત મોકલી દીધો છે. આફ્રિકાએ 5 રનમાં એક વિકેટ ગુમાવી દીધી છે. હાલમાં આફ્રિકા તરફથી એલ્ગર અને ટોની ડી જ્યોર્જી ક્રિઝ પર છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી આફ્રિકા તરફથી કેપ્ટન ડીન એલ્ગર અને એડમ માર્કરમ ઓપનિંગ કરવા આવ્યા છે. ભારત તરફથી ઓવરની શરૂઆત જસપ્રિત બુમરાહે કરી છે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ણાયક મેચમાં પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. આફ્રિકાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતે શાર્દુલ ઠાકુર અને રવિ અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મુકેશ કમારને ટીમમાં સ્થાન આપ્યું છે. સાઉથ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. સ્ટબ્સને ઈજાગ્રસ્ત કેપ્ટન ટેમ્બા બાવુમાની જગ્યાએ સ્થાન મળ્યું છે. જ્યારે ગેરાલ્ડ કોએત્ઝીની જગ્યાએ લુંગી એનગીડીને ટીમમાં સ્થાન આપ્યું છે. કેશવ મહારાજની વાપસી થઈ છે.
બંને દેશની પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, ટોની ડી જ્યોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગિડી
પિચ રિપોર્ટ
ન્યુલેન્ડ્સની પિચ પર સારી માત્રામાં ઘાસ છે. સામાન્ય રીતે આટલું ઘાસ અહીં ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને સારી મદદ મળવાની આશા છે. હવામાન પણ ફાસ્ટ બોલરોને મદદ કરતું જણાય છે. વાસ્તવમાં, મેચ દરમિયાન હળવો પવન ફૂંકાશે, જેના કારણે બોલ વધુ સ્વિંગ થશે. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરો ચોક્કસપણે પ્રભુત્વ જમાવશે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે.
વેધર રિપોર્ટ
છેલ્લી મેચની જેમ આ વખતે પણ વરસાદ અવરોધરૂપ બનશે નહીં. કેપટાઉનમાં પાંચ દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે. હળવા અને જોરદાર પવન ફૂંકાતા રહેશે, વાતાવરણ વાદળછાયું રહેશે. પરંતુ તેનાથી મેચમાં કોઈ અડચણ નહીં આવે.










