ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું છે. ભારત હવે T20 ક્રિકેટનું નવું ચેમ્પિયન બની ગયું છે. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. 177 રનનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાએ એક સમયે 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. અહીંથી તેમનો વિજય નિશ્ચિત જણાતો હતો, પરંતુ ભારતીય બોલરોએ તેમના જડબામાંથી જીત છીનવી લીધી હતી. પ્રથમ વખત રોહિત અને વિરાટે સાથે રમતા વર્લ્ડકપ જીત્યો છે.
IND vs SA: બેટ્સમેન બાદ બોલરોનો કમાલ,17 વર્ષ બાદ ભારત બન્યું ચેમ્પિયન
Jun 29, 2024 11:34 pm
ભારત બન્યું ચેમ્પિયન
ભારતે બીજી વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં 7 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપ જીત્યો છે. 13 વર્ષ પછી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો.
ભારતે 17મી ઓવરમાં મેચનો પલટો કર્યો હતો. 16 ઓવર સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે 151 રન બનાવી લીધા હતા. ત્યારબાદ મિલર અને ક્લાસેન ક્રિઝ પર હતા. દક્ષિણ આફ્રિકાને અંતિમ 24 બોલમાં 26 રનની જરૂર હતી. આ પછી, 17મી ઓવરમાં હાર્દિકે ક્લાસેનને આઉટ કર્યો અને માત્ર ચાર રન આપ્યા. 18મી ઓવરમાં બુમરાહે યાનસેનને આઉટ કરીને બે રન આપ્યા હતા. અર્શદીપે 19મી ઓવરમાં ચાર રન આપ્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા જ બોલ પર મિલરને આઉટ કર્યો હતો. રબાડાએ બીજા બોલ પર ચાર રન બનાવ્યા હતા. ત્રીજા બોલ પર રબાડાએ એક રન લીધો હતો. મહારાજે ચોથા બોલ પર એક રન લીધો. તેનો આગામી બોલ વાઈડ હતો. હાર્દિકે પાંચમા બોલ પર રબાડાને આઉટ કર્યો હતો. છેલ્લા બોલ પર એક રન આવ્યો અને ભારત સાત રનથી જીતી ગયું.
Jun 29, 2024 11:25 pm
સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો ખતરનાક કેચ પકડ્યો
Jun 29, 2024 11:20 pm
6 બોલમાં 16 રનની જરૂર
દક્ષિણ આફ્રિકાને છેલ્લા છ બોલમાં 16 રનની જરૂર છે. મિલર અને મહારાજ ક્રિઝ પર છે. બુમરાહે 18મી ઓવરમાં બે રન અને અર્શદીપે 19મી ઓવરમાં ચાર રન આપીને ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરી હતી.
Jun 29, 2024 11:13 pm
માર્કો યાન્સન આઉટ
દક્ષિણ આફ્રિકાને 156ના સ્કોર પર છઠ્ઠો ફટકો લાગ્યો હતો. જસપ્રીત બુમરાહે માર્કો જેન્સનને ક્લીન બોલ્ડ કર્યો હતો. હાલમાં કેશવ મહારાજ અને ડેવિડ મિલર ક્રિઝ પર છે. દક્ષિણ આફ્રિકાને બે ઓવરમાં 20 રનની જરૂર છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 12 બોલમાં 18 રનની જરૂર છે.
Jun 29, 2024 11:08 pm
17 ઓવર સમાપ્ત
17 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 વિકેટે 155 રન છે. દક્ષિણ આફ્રિકાને હવે 18 બોલમાં જીતવા માટે 22 રન બનાવવાના છે. ડેવિડ મિલર 11 બોલમાં 17 રન બનાવીને રમતમાં છે. માર્કો યાનસેન પણ ત્રણ બોલમાં બે રન પર છે. ભારતની આશાઓ ફરી જાગી છે.
Jun 29, 2024 11:05 pm
ક્લાસેન આઉટ
દક્ષિણ આફ્રિકાને 17મી ઓવરમાં 151 રનના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેનને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે 27 બોલમાં 52 રનની મેચ ચેન્જિંગ ઇનિંગ રમી હતી. હાલમાં ડેવિડ મિલર અને માર્કો યાન્સન ક્રિઝ પર છે. દક્ષિણ આફ્રિકાને હવે 18 બોલમાં 22 રનની જરૂર છે.
Jun 29, 2024 11:03 pm
16 ઓવર સમાપ્ત
16 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 151 રન છે. જસપ્રિત બુમરાહે માત્ર 4 રનની ઓવર નાંખી હતી. હેનરિક ક્લાસેન 26 બોલમાં 52 રન અને ડેવિડ મિલર 9 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે. મેચ હવે સંપૂર્ણ રીતે દક્ષિણ આફ્રિકાના હાથમાં છે. આફ્રિકાને જીતવા માટે 24 બોલમાં માત્ર 26 રન બનાવવાના છે.
Jun 29, 2024 11:01 pm
T20 WC 2024માં બોલ દ્વારા સૌથી ઝડપી 50
- 19 રોહિત શર્મા વિ USA, ગ્રોસ, આઇલેટ
- 22 એરોન જોન્સ વિ CAN, ડલ્લાસ
- 22 ડી કોક વિ ENG, ગ્રોસ આઇલેટ
- 23 એચ ક્લાસેન વિ IND, બ્રિજટાઉન*
Jun 29, 2024 10:57 pm
અક્ષર પટેલની ધોલાઇ
અક્ષર પટેલે 15મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં 24 રન આવ્યા હતા. 15 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 147 રન છે. હેનરિક ક્લાસેન 22 બોલમાં 49 રન અને ડેવિડ મિલર 7 બોલમાં 14 રન બનાવીને રમતમાં છે. મેચ હવે સંપૂર્ણ રીતે દક્ષિણ આફ્રિકાના હાથમાં છે.
Jun 29, 2024 10:52 pm
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 123/4
14 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 123 રન છે. હેનરિક ક્લાસેન 16 બોલમાં 3 છગ્ગાની મદદથી 27 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ડેવિડ મિલર 7 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 14 રન બનાવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 36 બોલમાં 54 રન બનાવવાના છે.
Jun 29, 2024 10:46 pm
ડીકોક આઉટ
દક્ષિણ આફ્રિકાને 13મી ઓવરમાં 106ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. અર્શદીપ સિંહે ક્વિન્ટન ડી કોકને કુલદીપના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડી કોકે 31 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રનની ઇનિંગ રમી હતી. હાલમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર છે. 13 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 109 રન છે. હવે તેમને જીતવા માટે 42 બોલમાં 68 રન બનાવવા પડશે.
Jun 29, 2024 10:45 pm
T20 WC એડિશનમાં SA માટે સૌથી વધુ રન
- 239* - ક્વિન્ટન ડી કોક (2024)
- 238 - જેક કાલિસ (2009)
- 187 - જેપી ડ્યુમિની (2014)
- 186 - એબી ડી વિલિયર્સ (2009)
- 185 - હાશિમ અમલા (2014)
Jun 29, 2024 10:43 pm
12 ઓવર સમાપ્ત
12 ઓવર પછી દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટે 101 રન બનાવી લીધા છે. હવે તેમને 48 બોલમાં 76 રનની જરૂર છે. હાલમાં હેનરિક ક્લાસેન અને ડી કોક વચ્ચે 30+ રનની ભાગીદારી છે. ભારતને કોઈપણ ભોગે વિકેટની જરૂર છે. કુલદીપ યાદવ આજે વિકેટ માટે તરસી રહ્યો છે.
Jun 29, 2024 10:40 pm
11 ઓવર સમાપ્ત
11 ઓવર પછી દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટે 93 રન બનાવી લીધા છે. હવે તેમને 54 બોલમાં 84 રનની જરૂર છે. હાલમાં હેનરિક ક્લાસેન અને ડી કોક વચ્ચે 20+ રનની ભાગીદારી છે. ભારતને કોઈપણ ભોગે વિકેટની જરૂર છે. મેચ હવે ભારતની પકડમાંથી સરકી રહી છે.
Jun 29, 2024 10:34 pm
10 ઓવર સમાપ્ત
હેનરિક ક્લાસને 10મી ઓવરમાં હાર્દિક પંડ્યા પર સિક્સર ફટકારી હતી. હાર્દિકે નો બોલ પણ ફેંક્યો હતો. જોકે ડી કોક ફ્રી હિટ પર માત્ર એક જ રન બનાવી શક્યો હતો. 10 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 81 રન છે. ક્વિન્ટન ડી કોક 23 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે હેનરિક ક્લાસેન 7 બોલમાં 8 રન પર છે.
Jun 29, 2024 10:28 pm
સ્ટબ્સ આઉટ
70 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો લાગ્યો. અક્ષર પટેલે નવમી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સને બોલ્ડ કર્યો હતો. તે 21 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટબ્સે ડી કોક સાથે ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. હેનરિક ક્લાસેન પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. તેને સપોર્ટ કરવા માટે ડી કોક ક્રિઝ પર હાજર છે.
Jun 29, 2024 10:25 pm
8 ઓવર સમાપ્ત
કુલદીપ યાદવે આઠમી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 13 રન આવ્યા હતા. ડી કોકે કુલદીપ યાદવ પર ગગનચૂંબી સિક્સર ફટકારી હતી. 8 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 62 રન છે. ક્વિન્ટન ડી કોક 21 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ 17 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાને 72 બોલમાં 115 રન બનાવવાના છે.
Jun 29, 2024 10:21 pm
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 49/2
7 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 49 રન છે. અક્ષર પટેલે સાતમી ઓવર નાખી. જેમાં એક ફોર સહિત 7 રન આવ્યા હતા. ક્વિન્ટન ડી કોક 18 બોલમાં 3 ફોરની મદદથી 21 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ 14 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાને 78 બોલમાં 128 રન બનાવવાના છે.
Jun 29, 2024 10:17 pm
પાવર પ્લે સમાપ્ત
6 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 42 રન છે. કુલદીપ યાદવે છઠ્ઠી ઓવર નાખી. આમાં કુલ 10 રન આવ્યા હતા. ક્વિન્ટન ડી કોક 15 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 20 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ 11 બોલમાં એક ચોગ્ગા સાથે 12 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાને 84 બોલમાં 135 રન બનાવવાના છે.
Jun 29, 2024 10:13 pm
5 ઓવર સમાપ્ત
અક્ષર પટેલે પાંચમી ઓવર નાખી. આ ઓવરમાં સ્ટબ્સ દ્વારા એક ફોર અને ડી કોક દ્વારા એક ફોર ફટકારવામાં આવી હતી. 5 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 32 રન છે. ક્વિન્ટન ડી કોક 12 બોલમાં બે ચોગ્ગાની મદદથી 15 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ 8 બોલમાં એક ચોગ્ગા સાથે 7 રન પર છે. દક્ષિણ આફ્રિકાને 90 બોલમાં 145 રન બનાવવાના છે.
Jun 29, 2024 10:09 pm
4 ઓવર સમાપ્ત
ભારત તરફથી ચોથી ઓવર જસપ્રીત બૂમરાહે નાખી હતી. આ ઓવરમાં કુલ 8 રન આવ્યા હતા. ક્વિંટન ડી કોક 10 બોલમાં 10 રન તથા ટ્રિસ્ટન સ્ટબ્સ 4 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના 4 ઓવર બાદ 2 વિકેટે 22 રન થયા છે. દક્ષિણ આફ્રિકાને 96 બોલમાં 155 રન બનાવવાના છે.
Jun 29, 2024 10:03 pm
માર્કરમ આઉટ
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન એડન માર્કરમને આઉટ કર્યો હતો. તે માત્ર 4 રન બનાવી શક્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ક્વિન્ટન ડી કોક તેને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર હાજર છે. 3 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટે 14 રન છે.
Jun 29, 2024 09:58 pm
હેન્ડ્રિક્સ આઉટ
બુમરાહે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઝટકો 7 રનના સ્કોર પર આપ્યો હતો. તેણે ઇનિંગ્સની બીજી ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો હતો. તે માત્ર ચાર રન બનાવી શક્યો હતો. કેપ્ટન એડન માર્કરમ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ક્વિન્ટન ડી કોક તેને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર હાજર છે. બે ઓવર પછી ટીમનો સ્કોર 11/1 છે.
Jun 29, 2024 09:53 pm
દક્ષિણ આફ્રિકા ઇનિંગ શરૂ
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. રીઝા હેન્ડ્રીક્સ અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગ બેટિંગ માટે ક્રીઝ પર આવ્યા છે. અર્શદીપ સિંહ ઇનિંગની પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.
Jun 29, 2024 09:40 pm
દક્ષિણ આફ્રિકાને મળ્યું 177 રનનું લક્ષ્ય
ભારતે વિરાટ કોહલીના 76 રન અને અક્ષર પટેલના 47 રનની તોફાની ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા છે. હવે જવાબદારી બોલરો પર છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ મજબૂત શરૂઆત કરી હતી.
વિરાટ કોહલીએ ઈનિંગની પ્રથમ ઓવરમાં માર્કો યાન્સન સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને સ્કોર 15 રન સુધી લઈ ગયો. બીજી ઓવરમાં રોહિત શર્માએ પણ ઇનિંગની બીજી ઓવરમાં કેશવ મહારાજ સામે બે ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે ચોથા બોલ પર તે ક્લાસેનના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન 5 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 23 રનના સ્કોર પર ટીમને બીજો આંચકો લાગ્યો હતો. આ ઓવરમાં મહારાજે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા રિષભ પંતને પણ ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવ પણ આ મેચમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. તે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. રબાડાએ તેને ક્લાસને કેચ આઉટ કરાવ્યો હતો. 34 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવનાર ભારતીય ટીમ માટે અક્ષર પટેલ મુશ્કેલીનિવારક સાબિત થયો હતો. તેણે વિરાટ કોહલી સાથે જવાબદારી સંભાળી અને ભારતના સ્કોરને 100 રનથી આગળ લઈ ગયો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી થઈ હતી.
આ મેચમાં અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તે 14મી ઓવરમાં ડી કોકના હાથે રનઆઉટ થયો હતો. આ પછી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ પણ કોહલીને સાથ આપ્યો અને ભારતના સ્કોરને 160થી આગળ લઈ ગયો. આ મેચમાં કિંગ કોહલીએ 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. T20 વર્લ્ડકપ 2024માં તેના બેટમાંથી આ પ્રથમ અર્ધસદી છે. તે 59 બોલમાં 76 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તે 19મી ઓવરમાં માર્કો યાનસેનના હાથે રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ દુબે સાથે પાંચમી વિકેટ માટે 33 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. ટીમને છઠ્ઠો ઝટકો શિવમ દુબેના રૂપમાં લાગ્યો જે 27 રન બનાવી શક્યો. આ સાથે જ સાતમી વિકેટ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પડી હતી. હાર્દિક પંડ્યા પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ. આફ્રિકા તરફથી મહારાજ અને નોર્ટજેએ બે-બે વિકેટ જ્યારે યાન્સન અને રબાડાને એક-એક વિકેટ મળી હતી.
Jun 29, 2024 09:31 pm
કોહલી આઉટ
19મી ઓવરમાં વિરાટ કોહલીએ માર્કો યાન્સનને આડેહાથ લીધો હતો. જોકે તે પ્રથમ બોલ પર આઉટ થયો હતો, પરંતુ યાન્સને તેને નો-બોલ કર્યો હતો. ત્યારપછી વિરાટે ફોર ફટકારી, એક ડબલ લીધો અને સિક્સર ફટકારી. જોકે, કોહલી પાંચમા બોલ પર આઉટ થયો હતો. વિરાટે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા.
Jun 29, 2024 09:25 pm
18 ઓવર સમાપ્ત
18 ઓવર પછી ભારતનો સ્કોર 4 વિકેટે 150 રન છે. વિરાટ કોહલી 53 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી છે. શિવમ દુબે 13 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા છે. બંને વચ્ચે 27 બોલમાં 44 રનની ભાગીદારી થઈ છે.
Jun 29, 2024 09:18 pm
કોહલીની ફિફ્ટી
વિરાટ કોહલીએ 48 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા છે. આ વર્લ્ડકપમાં કિંગ કોહલીની આ પ્રથમ અડધી સદી છે. 17 ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટે 134 રન છે. શિવમ દુબે 12 બોલમાં 21 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે.
Jun 29, 2024 09:15 pm
ભારતનો સ્કોર 126/4
16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 126 રન છે. શિવમ દુબે 9 બોલમાં એક ફોર અને એક સિક્સર સાથે 15 રન સુધી પહોંચી ગયો છે. જ્યારે કિંગ કોહલી 45 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 48 રન બનાવીને રમી રહ્યો છે.
Jun 29, 2024 09:11 pm
15 ઓવર સમાપ્ત
શિવમ દુબેએ 15મી ઓવરમાં માર્કો યાન્સન પર સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 10 રન આવ્યા. 15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 118 રન છે. કિંગ કોહલી 43 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 46 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે શિવમ દુબે 5 બોલમાં એક છગ્ગા સાથે 9 રન પર છે.
Jun 29, 2024 09:10 pm
T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ સિક્સ
- 6 - એમ સેમ્યુઅલ્સ વિ એસએલ, કોલંબો, 2012
- 4 - મિસ્બાહ-ઉલ-હક વિ IND, જો'બર્ગ, 2007
- 4 - વિરાટ કોહલી વિ એસએલ, મીરપુર, 2014
- 4 - સી બ્રેથવેટ વિ ENG, કોલકાતા, 2016
- 4 - મિચેલ માર્શ વિ NZ, દુબઈ, 2021
- 4 - અક્ષર પટેલ વિ SA, બ્રિજટાઉન, 2024*
Jun 29, 2024 09:04 pm
અક્ષર પટેલ આઉટ
અક્ષર પટેલે 14મી ઓવરના પહેલા જ બોલ પર કગીસો રબાડાને જોરદાર સિક્સર ફટકારી હતી. ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલ ક્રિઝની બહાર હતો, તેથી તે રનઆઉટ થયો હતો. પટેલે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. ક્રિઝ પર શિવમ દુબે નવો બેટ્સમેન છે. વિરાટ કોહલી 40 બોલમાં 44 રન બનાવ્યા બાદ પણ ક્રિઝ પર છે. 14 ઓવર પછી ભારતનો સ્કોર 108/4 છે.
Jun 29, 2024 09:00 pm
ભારતનો સ્કોર 98/3
એનરિક નોર્ખિયા 13મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. નોર્ખિયાએ ગતિ બદલીને ભારતીય બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા. નોર્ટજે તેની ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. વિરાટ કોહલીએ હવે 38 બોલમાં 43 રન અને અક્ષર પટેલે 29 બોલમાં 40 રન બનાવ્યા છે. 13 ઓવર પછી ભારતે 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવી લીધા છે.
Jun 29, 2024 08:55 pm
12 ઓવર સમાપ્ત
12 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને ભારતનો સ્કોર 93 રન થયો છે. વિરાટ કોહલી 35 બોલમા 42 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલ 26 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર અને કોહલી વચ્ચે 60 રનની ભાગદારી થઇ છે.
Jun 29, 2024 08:50 pm
ભારતનો સ્કોર 82/3
ભારતની 11 ઓવરની રમત સમાપ્ત થઇ ગઇ છે. વિરાટ કોહલી અને અક્ષર પટેલે ભારતની બાજી સંભાળી છે. કિંગ કોહલી 32 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 39 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે અક્ષર પટેલ 23 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 29 રન બનાવીને રમી રહ્યો છે.
Jun 29, 2024 08:46 pm
10 ઓવર સમાપ્ત
ભારતની અડધી ઈનિંગ સમાપ્ત થઈ ગઈ છે, શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ અને અક્ષરે દાવને સંભાળ્યો હતો. વિરાટ કોહલી 29 બોલમાં 4 ફોરની મદદથી 36 રન અને અક્ષર 20 બોલમાં 1 ફોર અને 2 સિકસની મદદથી 26 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 33 બોલમાં 41 રનની પાર્ટનરશિપ થઈ છે. આફ્રિકા તરફથી કેશવ મહરાજને 2 અને રબાડાને 1 સફળતા મળી છે.
Jun 29, 2024 08:40 pm
9 ઓવર સમાપ્ત
અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ ઈનિંગને સંભાળી છે. બંને વચ્ચે 27 બોલમાં 34 રનની પાર્ટનરશિપ થઈ છે. 9 ઓવર બાદ ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાને 68 રન છે.
Jun 29, 2024 08:36 pm
8 ઓવર સમાપ્ત
સાઉથ આફ્રિકા તરફથી 8મી ઓવર એડમ માર્કરામે ફેંકી હતી. આ ઓવરમાં ત્રીજા બોલ પર અક્ષર પટેલે શાનદાર સિક્સ ફટકારી હતી. વિરાટ કોહલી 29 અને અક્ષર 13 રન બનાવીને ક્રિઝ પર છે.
Jun 29, 2024 08:33 pm
7 ઓવર સમાપ્ત
7 ઓવર બાદ ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાને 49 રન છે. વિરાટ કોહલી અને અક્ષર પટેલ ક્રિઝ પર છે.
Jun 29, 2024 08:28 pm
પાવર પ્લે સમાપ્ત
પાવરપ્લે દક્ષિણ આફ્રિકાના નામે રહ્યો. ભારતે પ્રથમ 6 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 45 રન છે. વિરાટ કોહલી 19 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 25 રન બનાવી રહ્યો છે. આ સાથે અક્ષર પટેલ 6 બોલમાં એક ચોગ્ગા સાથે 8 રન પર છે.
Jun 29, 2024 08:22 pm
સૂર્યકુમાર આઉટ
ટીમ ઈન્ડિયાએ પાંચમી ઓવરમાં 34ના કુલ સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. કાગીસો રબાડાએ સૂર્યકુમાર યાદવને આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. તે ચાર બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. સ્ટેડિયમમાં સંપૂર્ણ શાંતી છવાઇ ગઇ છે.
Jun 29, 2024 08:18 pm
4 ઓવર સમાપ્ત
ચોથી ઓવર કેશવ મહારાજે નાખી હતી. આ ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 6 રન આવ્યા હતા. વિરાટ કોહલી 15 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ ત્રણ બોલમાં ત્રણ રન પર છે. 4 ઓવર બાદ ભારતનો 2 વિકેટે સ્કોર 32 રન છે.
Jun 29, 2024 08:16 pm
3 ઓવર સમાપ્ત
કાગિસો રબાડાએ ત્રીજી ઓવર નાખી. આ ઓવરમાં માત્ર ત્રણ રન આવ્યા હતા. 3 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 23 રન છે. વિરાટ કોહલી 9 બોલમાં 3 ફોરની મદદથી 15 રન બનાવી રહ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ બે બોલમાં બે રન પર છે.
Jun 29, 2024 08:12 pm
આ WCમાં ભારતની ઓપનિંગ
- 22 (2.4) વિ IRE
- 12 (1.3) વિ PAK
- 1 (0.2) વિ USA
- 11 (2.5) વિ AFG
- 39 (3.4) વિ BAN
- 6 (1.4) વિ AUS
- 19 (2.4) વિ ENG
- 23 (1.4) વિ SA
Jun 29, 2024 08:11 pm
પંત આઉટ
કેશવ મહારાજે પણ ભારતને બીજો ઝટકો આપ્યો હતો. તેણે બીજી ઓવરના છેલ્લા બોલ પર રિષભ પંતને ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ કરાવ્યો. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. તેને સપોર્ટ કરવા માટે વિરાટ કોહલી ક્રિઝ પર હાજર છે. બે ઓવર પછી સ્કોર 23/2 છે.
Jun 29, 2024 08:08 pm
રોહિત શર્મા આઉટ
ભારતને પહેલો ઝટકો 23 રનના સ્કોર પર લાગ્યો હતો. કેશવ મહારાજે બીજી ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માને હેનરિક ક્લાસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
Jun 29, 2024 08:06 pm
કોહલીએ ચોગ્ગા સાથે કરી શરૂઆત
પ્રથમ ઓવર સમાપ્ત થઇ ગઇ છે. વિરાટ કોહલીએ માર્કો યાન્સનની ઓવરમાં બેક ટુ બેક 3 ફોર ફટકારી હતી. કોહલી 5 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. રોહિતે 1 રન બનાવ્યો છે. 1 ઓવર બાદ ભારતનો સ્કોર 15 રન છે.
Jun 29, 2024 08:02 pm
ભારતની ઇનિંગ શરૂ
ભારતની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર આવી ગયા છે. માર્કો યાન્સન પ્રથમ ઓવર નાખશે.
Jun 29, 2024 07:39 pm
સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (c), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિક નોર્ખિયા, તબરેઝ શમ્સી
Jun 29, 2024 07:38 pm
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (c), વિરાટ કોહલી, રિષભ પંત (wk), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ
Jun 29, 2024 07:36 pm
ભારતે ટોસ જીત્યો
અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને ફરી એકવાર બહાર બેસવું પડશે. દક્ષિણ આફ્રિકા પણ કોઈપણ ફેરફાર વિના પ્રવેશ કરશે.
Jun 29, 2024 07:11 pm
ટીમ ઈન્ડિયાએ વોર્મઅપ શરૂ કર્યું
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ભારતીય ટીમ બાર્બાડોસના સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. મેદાન પર તડકો છે અને કેપ્ટન રોહિત શર્મા સહિત આખી ટીમે વોર્મ-અપ શરૂ કરી દીધું છે.
Jun 29, 2024 06:56 pm
બાર્બાડોસમાં બંને ટીમોએ અત્યાર સુધી કેવું પ્રદર્શન કર્યું છે?
એકંદર મેચોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ અહીં અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમી છે. તેણે આ ત્રણમાંથી બેમાં જીત મેળવી છે. આ સાથે જ તેને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકન ટીમે આ તમામ મેચ 2010 T20 વર્લ્ડકપ દરમિયાન રમી હતી. તે દરમિયાન તેણે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી હતી. આ સાથે જ આફ્રિકન ટીમને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતની વાત કરીએ તો ભારતીય ટીમે પણ અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. તેમાંથી બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયા એકમાં જીત મેળવવામાં સફળ રહી છે. 2010ના વર્લ્ડકપમાં ભારતીય ટીમને બંને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ હારી ગઈ હતી. આ બંને મેચ સુપર-8ની હતી. 2024 વર્લ્ડકપમાં ભારતને સુપર-8 મેચમાં અફઘાનિસ્તાનનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તેમને જીત મળી છે. બાર્બાડોસનો ઇતિહાસ દક્ષિણ આફ્રિકા સુધીનો છે. જ્યારે વર્તમાન ફોર્મ અને અનુભવ ભારતીય ટીમ પાસે છે.
Jun 29, 2024 06:52 pm
દક્ષિણ આફ્રિકાની નબળાઈ
- હેનરિક ક્લાસેનનું બેટ હજુ સુધી ટુર્નામેન્ટમાં શાંત રહ્યું છે જેવું તેણે આઈપીએલમાં કર્યું હતું. ક્લાસને 8 મેચમાં 112ના સ્ટ્રાઈક રેટથી 138 રન બનાવ્યા છે.
- કેપ્ટન માર્કરમ પણ અત્યાર સુધી બેટથી પ્રભાવિત કરી શક્યો નથી. તેણે ફાઇનલમાં જવાબદારી નિભાવવી પડશે.
- અનુભવી ડેવિડ મિલરે માત્ર એક અડધી સદી ફટકારી છે. સુપર-8માં તેણે 0, 43, 4 રનની ઇનિંગ્સ રમી હતી.
Jun 29, 2024 06:43 pm
સાઉથ આફ્રિકાની તાકાત
- ઓપનર ક્વિન્ટન ડી કોકે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 143ના સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા છે. તેણે બે અડધી સદી પણ ફટકારી છે. ભારતીય બોલરો માટે તેમને રોકવાનો પડકાર રહેશે.
- કેશવ મહારાજ અને તબરેઝ શમ્સી આ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં છે. મહારાજે કુલ 9 વિકેટ લીધી છે જ્યારે શમ્સીએ છેલ્લી બે મેચમાં 6 વિકેટ લીધી છે.
- સાઉથ આફ્રિકા પાસે રબાડા, યાન્સેન અને નોર્ખિયા જેવી ખતરનાક ઝડપી બોલરોની ત્રિપુટી છે. રબાડા અને નોર્ખિયા પણ વિકેટ લેવામાં સફળ રહ્યા છે.
Jun 29, 2024 06:20 pm
શા માટે અહીં ભારતનો હાથ ઉપર છે?
વર્તમાન વર્લ્ડકપમાં ભારતીય ટીમ બાર્બાડોસમાં એક મેચ રમી છે. તે અહીં જીતી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ માટે આ સ્પર્ધામાં બાર્બાડોસમાં રમવાનું પ્રથમ વખત હશે. આવી સ્થિતિમાં તેમને સંજોગો અનુસાર પોતાને અનુકૂળ કરવાનો પડકાર રહેશે. સાથે જ ભારતને તેના ભૂતકાળના અનુભવનો લાભ મળી શકે છે. T20 વર્લ્ડકપની મેચોની વાત કરીએ તો બંને ટીમો અત્યાર સુધીમાં 6 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી ભારત 4 વખત જીત્યું છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા બે વખત જીત મેળવવામાં સફળ રહ્યું છે. આ બાબતમાં પણ ભારતનો હાથ ઉપર છે.
Jun 29, 2024 06:00 pm
Jun 29, 2024 05:42 pm
બાર્બાડોસના હવામાનને લઈને લેટેસ્ટ અપડેટ
લેટેસ્ટ માહિતી મુજબ હવામાન થોડું સ્વચ્છ છે, પરંતુ વાદળછાયું છે. આછો તડકો જોવા મળી રહ્યો છે, પરંતુ પવન પણ જોરથી ફૂંકાઈ રહ્યો છે. આ મેચ બાર્બાડોસમાં સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી રમાશે. આવી પરિસ્થિતિમાં ઝાકળ અહીં કોઈ ભૂમિકા ભજવશે નહીં, પરંતુ ભીની આઉટફિલ્ડને કારણે થોડી સમસ્યા થઈ શકે છે.
Jun 29, 2024 05:20 pm
બાર્બાડોસમાં અત્યાર સુધીની મેચો કેવી રહી છે?
- 3 જૂન: બાર્બાડોસમાં ICC મેન્સ T20 વર્લ્ડકપની પ્રથમ મેચ 3 જૂને ઓમાન અને નામિબિયા વચ્ચે રમાઈ હતી. લીગ મેચમાં ઓમાને 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા નામિબિયાએ મેચ ટાઈ કરી હતી. બાદમાં નામિબિયાએ સુપર ઓવરમાં મેચ જીતી લીધી હતી.
- 4 જૂન: બીજી મેચ સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બાર્બાડોસમાં રમાઈ હતી. લીગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 10 ઓવરમાં 90 રન બનાવ્યા હતા. જોકે, વરસાદને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે એક-એક પોઈન્ટ વહેંચ્યા હતા.
- 6 જૂન: બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે ત્રીજી મેચ રમાઈ હતી. લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટના નુકસાને 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓમાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 39 રને જીતી લીધી હતી.
- જૂન 7: નામિબિયા અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી લીગ મેચમાં સ્કોટલેન્ડનો વિજય થયો. નામિબિયાનો સ્કોર 18.3 ઓવરમાં 155/9 હતો. સ્કોટલેન્ડે આ મેચ 9 બોલ બાકી રહેતા 5 વિકેટે જીતી લીધી હતી.
- જૂન 8: લીગ તબક્કાની સૌથી મોટી મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બાર્બાડોસમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટને પાર કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 165 રન જ બનાવી શકી અને ઓસ્ટ્રેલિયાએ 36 રનથી મેચ જીતી લીધી. આ સ્પર્ધામાં સેન્ટ લુસિયા અને બાર્બાડોસ જ એવા બે મેદાન છે જ્યાં કોઈપણ ટીમ 200થી વધુ સ્કોર કરવામાં સફળ રહી છે. બાર્બાડોસમાં આ એકમાત્ર મેચ હતી જેમાં 200થી વધુ રન બનાવ્યા હતા. આ સ્પર્ધા પ્રથમ મેચ હતી જ્યારે કોઈ ટીમે 200નો આંકડો પાર કર્યો હતો. આ પછી ટીમોએ અન્ય ત્રણ મેચમાં પણ 200નો આંકડો પાર કર્યો. આ તમામ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાઈ હતી.
Jun 29, 2024 05:10 pm
ભારતનું પલડું ભારે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે. આમાં ભારત 14 વખત જીત્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા 11 વખત જીત્યું છે. જ્યારે T20 વર્લ્ડકપમાં ભારતે 6માંથી 4 વખત જીત મેળવી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 2 વખત જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે એક વખત વર્લ્ડકપ નોકઆઉટ મેચ રમાઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2014ની સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
Jun 29, 2024 05:00 pm
પિચ એક નવો કોયડો હશે
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ બાર્બાડોસની પિચ નંબર 4 પર રમાશે. આ પિચ પર 2 મેચ રમાઈ છે, પરંતુ બંને મેચ અન્ય કોઈ ટીમ દ્વારા રમાઈ છે. આ પિચ પર ન તો ભારત કે દક્ષિણ આફ્રિકાએ કોઈ મેચ રમી નથી. મતલબ કે આ પિચ બંને ટીમો માટે એક નવો કોયડો બની રહેશે. આથી બંને ટીમોએ મેચ પહેલા પિચનું નિરીક્ષણ કર્યું હતું.
Jun 29, 2024 04:42 pm
બાર્બાડોસનો રેકોર્ડ
ICC મેન્સ T20 વર્લ્ડકપની ટાઈટલ મેચ બ્રિજટાઉન, બાર્બાડોસમાં રમાશે. વર્તમાન વર્લ્ડકપમાં આ મેદાન પર 8 મેચ રમાઈ છે જેમાંથી ત્રણ મેચ સુપર 8ની હતી. અહીં 8માંથી એક મેચ પરિણામ વિના રહી. અત્યાર સુધી રમાયેલી મેચોમાં સૌથી વધુ સ્કોર 201 રન ઓસ્ટ્રેલિયન ટીમનો હતો. 7 મેચમાં 4 વખત એવું બન્યું છે કે ટોસ જીતનારી ટીમે જીત નોંધાવી હોય. બાકીની ત્રણ ટીમો ટોસ હાર્યા બાદ પણ જીતી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
Jun 29, 2024 04:30 pm
હવામાનને લઇ મોટું અપડેટ
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. આ મેચ બાર્બાડોસમાં રમાવાની છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ત્યાંના હવામાન વિશે જાણવા માંગે છે. હાલમાં હવામાનને લઈને સારા સમાચાર છે. બાર્બાડોસમાં અત્યારે હવામાન એકદમ સ્વચ્છ છે. આવી સ્થિતિમાં મેચ સમયસર શરૂ થઈ શકે છે.
Jun 29, 2024 04:20 pm
ભારતની નબળાઈ
- વિરાટ કોહલી ઓપનર તરીકે ન ચાલવું ચિંતાનો વિષય છે. અત્યાર સુધી તેણે 10.71ની એવરેજથી માત્ર 75 રન જ બનાવ્યા છે.
- કોહલીના વહેલા આઉટ થયા બાદ રિષભ પંતે મોટી ઇનિંગ્સ રમી નથી. જોકે તેણે 7 મેચમાં 129ના સ્ટ્રાઈક રેટથી 171 રન બનાવ્યા છે.
- શિવમ દુબે અત્યાર સુધી પોતાની પસંદગીને સાર્થક કરી શક્યો નથી. સેમીફાઈનલમાં પણ તે પહેલા બોલ પર આઉટ થઈ ગયો હતો.
Jun 29, 2024 04:10 pm
ભારતની તાકાત
- રોહિત શર્મા કેપ્ટન અને ઓપનર તરીકે ફોર્મમાં છે. રોહિતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચમાં 92 અને 57 રનની ઇનિંગ્સ રમી છે.
- મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ ઉપયોગી ઇનિંગ્સ રમી રહ્યો છે. રોહિત સાથે તેની 73 રનની ભાગીદારી ઈંગ્લેન્ડ સામે નિર્ણાયક સાબિત થઈ હતી.
- બુમરાહ, કુલદીપ અને અક્ષર ભારતીય બોલિંગ આક્રમણને ખતરનાક બનાવી રહ્યા છે. ત્રણેય બોલરો માત્ર રન જ મર્યાદિત નથી કરી રહ્યા પરંતુ વિકેટ પણ લઈ રહ્યા છે.
Jun 29, 2024 04:01 pm
પ્રોવિડન્સ કરતાં અલગ હશે અહીંની પિચ
કેન્સિંગ્ટન ઓવલની પિચ પ્રોવિડન્સ કરતાં અલગ છે. અહીંની પિચ શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ કરે છે. તેને નવા બોલ સાથે સ્વિંગ મળે છે. બાદમાં આ પીિ બેટ્સમેનોને મદદરૂપ બને છે. સારી લાઇન ધરાવતા સ્પિનરો પણ અહીં ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્લ્ડકપમાં ભારતે અહીં અફઘાનિસ્તાન સામે એક મેચ રમી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 181 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાનને 134 રનમાં ઓલઆઉટ કરીને 47 રનથી જીત મેળવી હતી. અહીં 32 T-20 મેચ રમાઈ છે. 19 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે અને 11 વખત લક્ષ્યનો પીછો કરતી વખતે પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. બે અનિર્ણિત રહ્યા છે.
Jun 29, 2024 03:50 pm
અત્યાર સુધી અજેય રહી છે બંને ટીમો
આ ફાઈનલ બે ટીમો વચ્ચે છે જે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે 7 મેચ જીતી છે, જેમાંથી એક વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા સતત 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી ગયું છે. આ ફાઈનલ આફ્રિકા માટે પણ ખાસ છે, કારણ કે તેમની ટીમ પ્રથમ વખત કોઈ વર્લ્ડકપની ટાઈટલ મેચમાં પહોંચી છે. આ સાથે જ ભારતીય ટીમ T-20 વર્લ્ડકપની ત્રીજી ફાઈનલ રમશે. છેલ્લી વખત ભારત 10 વર્ષ પહેલા 2014માં ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તે શ્રીલંકા સામે હારી ગયું હતું.
Jun 29, 2024 03:40 pm
રોહિત માટે આસાન નહીં હોય મેચ
રોહિત માટે આ શાનદાર મેચ માનસિક રીતે આસાન નહીં હોય. તેમની કપ્તાની હેઠળ, ભારતે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડકપ 2023ની ફાઈનલ રમી છે, પરંતુ તેમની ટીમ ફાઈનલની આ છેલ્લી અડચણને પાર કરી શકી નથી. રોહિતની ટીમને આ છેલ્લી અડચણ દૂર કરવાની વધુ એક તક મળી છે. જો ભારત અહીં જીતે છે તો તે રાહુલ દ્રવિડ, રોહિત અને વિરાટ કોહલી માટે ખાસ ભેટ હશે, જે કરોડો ક્રિકેટ પ્રેમીઓ સાથે તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં કોચિંગ આપી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે રોહિત અને વિરાટ માટે આ છેલ્લો T20 વર્લ્ડકપ પણ હોઈ શકે છે.
Jun 29, 2024 03:35 pm
મેચ પહેલા બાર્બાડોસમાં વરસાદ
મેચની એક રાત પહેલા બાર્બાડોસમાં ભારે વરસાદ થયો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે. પરંતુ હાલ વરસાદ બંધ થઈ ગયો છે.
Jun 29, 2024 03:25 pm
ભારત પાસે શાનદાર મોકો
ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે તે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે. તે બીજી વખત ટાઈટલ જીતી શકે છે.
Jun 29, 2024 03:15 pm
રાત્રે 8 વાગ્યાથી રમાશે ફાઈનલ મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. બાર્બાડોસ અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યાથી રમાશે. બાર્બાડોસમાં સ્થાનિક સમય અનુસાર સવારે 10 થી 11 વાગ્યા સુધી ઝરમર વરસાદ પડી શકે છે.
Jun 29, 2024 03:10 pm
બાર્બાડોસમાં વરસાદની શક્યતા
બાર્બાડોસમાં દિવસની શરૂઆતમાં આકાશ વાદળછાયું રહેશે. આ પછી વરસાદની સંભાવના છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે મેચ મોડી સમાપ્ત થઈ હતી.
Jun 29, 2024 03:09 pm
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેઝ શમ્સી.
Jun 29, 2024 03:08 pm
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે/સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
Jun 29, 2024 03:07 pm
બોલિંગમાં ફેરફારની શક્યતા ઓછી
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. આમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની હાજરી ભારત માટે વરદાન સાબિત થઈ રહી છે. બંને વેસ્ટ ઈન્ડિઝની પીચો પર જાદુ સર્જતા જોવા મળે છે. સાથે જ રવિન્દ્ર જાડેજા પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ભલે તેને અત્યાર સુધી ઘણી વિકેટ મળી નથી, પરંતુ જાડેજાએ ઇકોનોમિકલી રીતે બોલિંગ કરી છે. તે બેટથી પણ પ્રભાવ પાડવામાં સફળ રહ્યો છે. જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળતો જોવા મળશે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા પણ તેની 4 ઓવરની બોલિંગ કરતો જોવા મળશે.
Jun 29, 2024 03:07 pm
કપાઈ શકે છે શિવમ દુબેનું પત્તું!
ટાઇટલ મેચમાં શિવમ દુબેનું પત્તું કપાઈ શકે છે. કેપ્ટન તેને ભારતના પ્લેઇંગ 11માંથી બહારનો રસ્તો બતાવી શકે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. ક્રિસ જોર્ડને તેને બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. તે શાનદાર બેટિંગ કરતો જોઈ શકાય છે.
Jun 29, 2024 03:07 pm
પંત-સૂર્યાની હાજરીમાં મિડલ ઓર્ડર મજબૂત
રિષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરશે. વર્તમાન ટુર્નામેન્ટમાં તે મજબૂત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેણે અત્યાર સુધીમાં 171 રન બનાવ્યા છે. આ સ્ટાર ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી છે. જ્યારે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર ઉતરશે. મેદાનના દરેક ખૂણામાં શોટ રમવાની ક્ષમતા ધરાવતો આ બેટ્સમેન ભારતના મિડલ ઓર્ડરને મજબૂતી પ્રદાન કરી રહ્યો છે. સેમિફાઇનલ મેચમાં પંત બાદ સૂર્યાએ 47 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને ભારતના સ્કોરને 150થી આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવશે. તે બોલ અને બેટથી ભારત માટે ઉપયોગી સાબિત થયો છે.









