- BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી
- રોહિત શર્માને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
- હવે ટીમની પસંદગી પર સવાલો ઉઠવા લાગ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 18 જુલાઈના રોજ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. રોહિત શર્માને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવ T20 સિરીઝમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. હવે ટીમ ઈન્ડિયાની પસંદગી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેઓ ફોર્મમાં હોવા છતાં ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. જેના કારણે હવે ટીમની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે.
રિંકુ સિંહ
શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ODI ટીમ થોડી આશ્ચર્યજનક હતી. ઝિમ્બાબ્વે પ્રવાસમાં સારૂ પ્રદર્શન ન કરી શકનાર રિયાન પરાગને શ્રીલંકા પ્રવાસ માટે ODI અને T20 બંને શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. બીજી તરફ સારા ફોર્મમાં ચાલી રહેલા રિંકુ સિંહને ટી-20 ટીમમાં જગ્યા આપવામાં આવી છે પરંતુ વનડે સિરીઝમાંથી રિંકુની અવગણના કરવામાં આવી છે. જેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સંજુ સેમસન
સંજુ સેમસનને T20 વર્લ્ડકપ 2024 માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ટૂર્નામેન્ટમાં સંજુ બેન્ચ પર બેઠો જોવા મળ્યો હતો. આ પછી સંજુને ઝિમ્બાબ્વે ટુર માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો, સંજુએ આ સીરિઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. જે બાદ સંજુને હવે શ્રીલંકા પ્રવાસ માટેની ટી20 ટીમમાં જ તક મળી છે, જ્યારે સંજુને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, સંજુએ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ તેની છેલ્લી ODI મેચમાં સદી ફટકારી હતી, તેમ છતાં તેને ODI ટીમમાં તક મળી ન હતી.
હાર્દિક પંડ્યા
T20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ છતાં, ચેમ્પિયન ખેલાડીને ટી-20 સિરીઝમાં ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો ન હતો, કેપ્ટનની વાત તો છોડો. શુબમન ગિલને ટી-20 સિરીઝમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
અભિષેક શર્મા
IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કરનાર અભિષેક શર્માને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. અભિષેકની ડેબ્યૂ મેચ ભલે કંઈ ખાસ રહી ન હોય પરંતુ બીજી જ મેચમાં બેટ્સમેને વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી. જે પછી ચાહકોને આશા હતી કે અભિષેકને શ્રીલંકા પ્રવાસ માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવશે, પરંતુ સ્ટાર બેટ્સમેનને ટી-20 કે વનડે સિરીઝમાં ટીમમાં તક મળી નથી.