T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધી માત્ર 170 રન જ બનાવી શકી હતી. સૂર્યાએ ભારત માટે કપ્તાની ઈનિંગ રમી હતી. તેણે 26 બોલમાં 58 રન બનાવ્યા હતા. રિષભ પંતે 33 બોલમાં 49 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા.
ભારત તરફથી રિયાન પરાગે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 1.2 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.










