- સાતમી જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ત્રીજી T20
- વિરાટ-રોહિત-રાહુલને T20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો
- હાર્દિક પંડ્યા કરશે કપ્તાની, અક્ષર-હર્ષલ પટેલ ટીમમાં સામેલ
રાજકોટના પીપળીયા પાસે આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ મેચની T20 સિરીઝની ત્રીજી અને ફાઈનલ મેચ રમાશે. T20 મેચની શ્રેણી માટે ભારતના કપ્તાન તરીકે હાર્દિક પંડ્યા ને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ત્રણ સ્ટાર ખેલાડીઓ કોહલી, રાહુલ અને રોહિતને આરામ આપવામાં આવતા ત્રણેય રાજકોટમાં નહીં રમે.

વિરાટ-રોહિત-રાહુલને T20 સિરીઝમાં આરામ
BCCIએ T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી, જેમાં વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે, T20 સિરીઝ માટે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે જ્યારે વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું નામ જાહેર કરાયું હતું. આ સિવાય ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
6 જાન્યુઆરીએ ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરશે
ત્રીજી જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 શ્રેણીનો પ્રારંભ થશે, જેની ત્રીજી અને ફાઈનલ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમ રાજકોટ આવશે ત્યારે સંભવતઃ ટીમ શ્રીલંકાને હોટલ ફોર્ચ્યુન અને ટીમ ઇન્ડિયાને હોટલ સયાજી ખાતે ઉતારો આપવામાં આવશે. મેચના આગલા દિવસે બંને ટીમ નેટ પ્રેક્ટિસ તેમજ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે.

ખંઢેરી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે
અત્યાર સુધીમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયાએ કુલ ચાર આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે, જેમાંથી ત્રણ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત થઇ છે જ્યારે માત્ર એક જ મેચ ટીમ ઇન્ડિયા હાર્યું છે. એકંદરે આ મેદાન પર ટીમ ઇન્ડિયાનું પલડું ભારે રહ્યું છે.









