- આજથી ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટ : સવારે 9:30થી પ્રારંભ
- મેચ દરમિયાન ઠંડી, વરસાદ અને બરફવર્ષાનું વિઘ્ન નડે તેવી સંભાવના
- પેસ બોલર્સને ફાયદો થશે, બેરિસ્ટો પણ 100મી ટેસ્ટ રમશે
છેલ્લી ત્રણ મેચમાં વિજય હાંસલ કરીને શ્રોણીમાં 3-1ની અજેય લીડ મેળવી ચૂકેલી ભારતીય ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં વિજય હાંસલ કરીને પોતાના સ્ટાર ઓફ સ્પિનર અશ્વિનની 100મી ટેસ્ટ યાદગાર બનાવવાના તમામ પ્રયાસ કરશે. બીજી તરફ ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટો માટે પણ આ 100મી ટેસ્ટ રહેશે અને તેની ટીમ વિજય સાથે પોતાના ભારતના અભિયાનને સમાપન કરવાનો પ્રયાસ કરશે. ધર્મશાલામાં ઠંડા ભેજવાળા વાતાવરણના કારણે ઇંગ્લિશ ખેલાડીઓ ખુશમિજાજમાં છે અને પોતે ઘરઆંગણે રમી રહ્યા છે તેવો તેમને અહેસાસ થઈ રહ્યો છે. મેચના પ્રથમ બે દિવસ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે. મેચ દરમિયાન વરસાદ અને બરફવર્ષાનું પણ વિઘ્ન નડી શકે છે. મેચનો સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થશે. મેચની પૂર્વ સંધ્યાએ પિચ સપાટ નજર આવી હતી પરંતુ ભેજના કારણે તમામ દિવસની શરૂઆતના કારણે પેસ બોલર્સને મદદ મળી શકે છે. આ મેદાન હંમેશાં પેસ બોલર્સ માટે સ્વર્ગસમું રહ્યું છે પરંતુ સ્પિનર્સની ભૂમિકાની અવગણના કરી શકાય તેમ નથી. ધર્મશાલામાં એકમાત્ર ટેસ્ટ મેચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી જેમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની રહી હતી. પેસ બોલર બુમરાહના આગમનના કારણે ભારતની બોલિંગ વધારે મજબૂત બની છે. તેને સિરાજ સાથ આપશે અને સ્પિન બોલિંગનું આક્રમણ અશ્વિન, જાડેજા અને કુલદીપ સંભાળશે. લોકેશ રાહુલની ગેરહાજરીના કારણે રજત પાટીદારને વધુ એક તક મળી શકે છે. ઓપનર યશસ્વી જયસ્વાલ પાસે એક જ શ્રોણીમાં 700 પ્લસ રન નોંધાવનાર બીજા ભારતીય બેટ્સમેન બનવાની તક છે.










