• 27 વર્ષ બાદ આજે પૂણેમાં વર્લ્ડ કપનો મુકાબલો રમાશે

  • ટોસ જીતનાર રનચેઝ કરવાનું પસંદ કરશે
  • બાંગ્લાદેશે છેલ્લી ચાર વન-ડેમાં ત્રણમાં ભારતને હરાવ્યું હતું  

ભારતીય ટીમ વર્લ્ડ કપની લીગ મેચમાં ગુરુવારે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઊતરશે ત્યારે રોહિત શર્માની ટીમ પોતાની રિધમ જાળવી રાખીને ટૂર્નામેન્ટમાં સતત ચોથો વિજય હાંસલ કરવાનો પ્રયાસ કરશે પરંતુ બાંગ્લાદેશની ટીમને ભારત કોઈ પણ ભોગે હળવાશથી લેવાની મૂર્ખામી કરશે નહીં. વર્લ્ડ કપમાં તાજેતરમાં જ થયેલા કેટલાક અપસેટને ધ્યાનમાં રાખીને રોહિતબ્રિગેડ પણ બાંગ્લાદેશ સામે સાવચેતી દાખવશે. ભારત સામેની છેલ્લી ચાર મેચમાં બાંગ્લાદેશનો રેકોર્ડ જોતાં આ મુકાબલામાં ભારત કોઈ જોખમ લેવા માગશે નહીં. બાંગ્લાદેશે છેલ્લી ચાર વન-ડેમાં ત્રણમાં ભારતને હરાવ્યું હતું અને છેલ્લે એશિયા કપમાં ભારતને છ રનથી પરાજય પણ આપ્યો છે. ઇંગ્લેન્ડ અને સાઉથ આફરિકા સામે અનુક્રમે અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ્સે મેળવેલા સનસનાટીભર્યા વિજયને ધ્યાનમાં રાખીને ભારત હવે વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમને હળવાશથી લેશે નહીં. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.

રોહિતે છેલ્લી બે મેચમાં પાકિસ્તાન સામે 86 તથા અફઘાનિસ્તાન સામે 131 રનની ઇનિંગ રમી હતી જેના કારણે બંને મેચમાં ભારતે ટાર્ગેટને આસાનીથી ચેઝ કરી લીધો હતો. ભારત પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે અને તેનો ટાર્ગેટ વિજયીરથને આગળ વધારવાનો રહેશે. ગિલ પણ મોટી ઇનિંગ રમીને વર્લ્ડ કપમાં પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાન સામે કોહલી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો પરંતુ ઓસ્ટ્રેલિયા (85) અને અફઘાનિસ્તાન (અણનમ 55) સામે અડધી સદી ફટકારીને રિધમ અને ફોર્મ બંને હાંસલ કરી લીધા છે. ઐયરે પાકિસ્તાન સામે આક્રમક અડધી સદી નોંધાવીને મિડલ ઓર્ડરને વધારે મજબૂત કર્યો છે. પૂણે 27 વર્ષ બાદ વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. છેલ્લે 1996માં કેન્યા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં કેન્યન ટીમે બિગેસ્ટ અપસેટ સર્જ્યો હતો. આ મેદાનમાં ભારત સાતમાંથી ચાર મેચ જીતી શક્યું છે અને આ સ્થિતિમાં રોહિતની ટીમ સાવચેત રહેવું પડશે.

બાંગ્લાદેશની ટીમ સામે સૌથી મોટો પડકાર રોહિત શર્મા રહેશે. રોહિતે આ ટીમ સામે 2015માં મેલબોર્ન ખાતે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં 137, બર્મિંગહામ ખાતે 2019ની મેચમાં 104 રનની ઇનિંગ રમી હતી. 2007ના વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશનો અપસેટનો શિકાર બન્યા બાદ ભારતે સતત ત્રણ વખત 300 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. બાંગ્લાદેશને કેટલાક મિશ્રિાત પ્રદર્શન તથા પરિણામ જોવા મળ્યા છે. બે પરાજયના કારણે જો બાંગ્લાદેશ વધુ એક હાર મેળવે તો તેના માટે સેમિફાઇનલનો માર્ગ મુશ્કેલ બનશે. સુકાની શાકિબ ફિટ થઈ ગયો છે અને તે ગુરુવારની મેચ માટે ઉપલબ્ધ રહેશે. મિડલ ઓર્ડરે ફોર્મમાં આવવું જરૂરી છે અને બોલર્સે રિધમ હાંસલ કરીને હરીફ ટીમ ઉપર દબાણ લાદવાની જરૂર છે. તસ્કીન અહેમદ તથા મુસ્તાફિઝુર રહેમાન પણ સામાન્ય દેખાવ કરી રહ્યા હોવાના કારણે બાંગ્લાદેશની સમસ્યાઓ વધી છે.


  • Follow us on: