• આજે બીજી વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને કોઈ પણ ભોગે હરાવવું પડશે

  • સુકાની શિખર ધવનની ટીમે પાવરપ્લેમાં રમવાના અભિગમને બદલવો પડશે
  • શુભમન ગિલે પાવરપ્લેમાં જોખમ ઉઠાવીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખવું પડશે

ભારતીય ટીમ રવિવારે અહીં રમાનારી બીજી વન-ડે મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઊતરશે ત્યારે સુકાની શિખર ધવનની ટીમે પાવરપ્લેમાં રમવાના અભિગમને બદલવો પડશે. ભારત માટે આ મુકાબલો કરો યા મરોનો છે અને શ્રોણીને જીવંત રાખવા માટે ભારતે કોઈ પણ ભોગે ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે. સુકાની શિખર ધવન અને યુવા ઓપનર શુભમન ગિલે પાવરપ્લેમાં જોખમ ઉઠાવીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખવું પડશે. સેડોન પાર્ક ત્રણ બાજુએથી ખુલ્લું ગ્રાઉન્ડ છે પરંતુ ન્યૂઝીલેન્ડમાં બેટ્સમેનો માટેના સ્વર્ગસમાન ગણાતા મેદાનોમાંનું એક છે. પ્રથમ વન-ડેમાં ધવન અને ગિલે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ ઇડન પાર્ક ખાતેના નાના ગ્રાઉન્ડમાં 306નો સ્કોર સામાન્ય રહ્યો હતો. ભારતીય ઓપનર પ્રારંભિક 10 ઓવરના પાવરપ્લેમાં વધારે પડતી સાવચેતી રાખીને રમે છે જેના કારણે ટીમ મોટો સ્કોર નોંધાવી શકતી નથી. વિશ્વની અન્ય ટીમોની સરખામણીમાં ભારતીય ટીમ ઘણી પાછળ છે અને ઓકલેન્ડ ખાતેની પ્રથમ મેચના પાવરપ્લેમાં માત્ર 4 0 રન બનાવી શકી હતી. ધવને 77 બોલમાં 72 રન બનાવ્યા હતા જેમાં 13 બાઉન્ડ્રી સામેલ હતી. 13 બોલમાં બાઉન્ડ્રી વડે 52 રન બનાવનાર ધવને બાકીના 20 રન માટે 64 બોલનો સમય લીધો હતો અને તેમાંથી 4 4 બોલ ડોટ રહ્યા હતા. ધવન આગામી મહિને બાંગ્લાદેશ સામે નિયમિત સુકાની રોહિત શર્મા સાથે ઇનિંગનો પ્રારંભ કરશે તે નિશ્ચિત નથી. રિષભ પંત ઉપર પણ વધુ એક વખત નજર રહેશે. તેને સંજૂ સેમસન અને ઇશાન કિશન જોરદાર પડકાર ફેંકી શકે છે.

ભારતીય બોલર્સે પોતાની લાઇનલેન્થમાં ફેરફાર કરવો પડશે. પ્રથમ મેચમાં તેમણે વધારે પડતા શોર્ટપિચ બોલ નાખ્યા હતા જેનો ટોમ લાથામે ભરપૂર ઉપયોગ કર્યો હતો. સેડોન પાર્ક ખાતે ટોસની ભૂમિકા મહત્ત્વની બનશે. સાંજના સમયે બેટિંગ કરવી વધારે આસાન બનતી હોવાના કારણે ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનું વધારે પસંદ કરશે. ભારત રનચેઝ કરશે તો તેના માટે સારી બાબત રહેશે કારણ કે તેના સ્પિનર્સને સાંજના સમયે ઝાકળની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.


  • Follow us on: