- પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન
- શૂટઆઉટમાં બ્રિટનને 4-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી
- સતત બીજી વખત ઓલિમ્પિકમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને 4-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પૂર્ણ સમય સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.ભારતીય ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
પ્રથમ હાફમાં મેચની સ્થિતિ
પ્રથમ ક્વાર્ટરમાં ગ્રેટ બ્રિટનને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ અમિત રોહિદાસના શાનદાર ડિફેન્સને કારણે તેઓ ગોલ કરી શક્યા ન હતા. ગોલકીપર પીઆર શ્રીજેશે પણ કેટલાક ગોલ બચાવ્યા હતા. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં એક પણ ગોલ કર્યો ન હતો. અમિતને બીજા ક્વાર્ટરમાં રેડ કાર્ડ મળ્યું અને તે મેચમાંથી બહાર થઈ ગયો. આ પછી હરમનપ્રીતે 21મી મિનિટે શાનદાર ગોલ કર્યો હતો. જ્યારે લી મોર્ટને બ્રિટન માટે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો.
બીજો હાફમાં શું થયું?
ત્રીજા ક્વાર્ટરમાં, ગ્રેટ બ્રિટને ફરીથી જોરદાર એટેક કર્યો, તેમને ઝડપથી પેનલ્ટી કોર્નર પણ મળ્યા, પરંતુ શ્રીજેશે તેમને ગોલ કરવાની કોઈ તક આપી નહીં.બંને ટીમો તરફથી એક પણ ગોલ થયો ન હતો અને સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં બંને ટીમોએ આક્રમણ કર્યું, પરંતુ કોઈ ગોલ કરી શક્યું ન હતું. સમય પૂરો થવાને કારણે મેચ શૂટઆઉટમાં ગઈ હતી.
પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?
પેનલ્ટી શૂટઆઉટમાં, ગ્રેટ બ્રિટને પ્રથમ બે ગોલ કર્યા, પરંતુ ત્રીજો શોટમાં ગોલ કરી શક્યા નહીં. શ્રીજેશે ચોથા શોટમાં શાનદાર બચાવ કર્યો હતો. શૂટઆઉટમાં ભારત તરફથી હરમનપ્રીત, સુખજીત સિંહ, લલિત ઉપાધ્યાય અને રાજકુમાર પાલે ગોલ કર્યા હતા.
સતત બીજા મેડલથી માત્ર 1 જીત દૂર
હવે ભારતીય ટીમને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ માટે માત્ર 1 જીતની જરૂર છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને હોકીમાં 41 વર્ષનો ઓલિમ્પિક મેડલ દુષ્કાળ અંત આણ્યો હતો.ભારતીય ટીમે રોમાંચક મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું. આ પહેલા ભારતે છેલ્લે 1980માં હોકીમાં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. ભારતે મેન્સ હોકીમાં 8 ઓલિમ્પિક ગોલ્ડ સહિત કુલ 12 મેડલ જીત્યા છે.