ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચે રમાઈ હતી, જેમાં આરસીબી ટીમે 7 વિકેટથી એકતરફી વિજય મેળવ્યો. આ મેચમાં, ટોસ જીતીને, RCB ટીમના કેપ્ટન રજત પાટીદારે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ KKR એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા. KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ 56 રન બનાવ્યા, જ્યારે સુનીલ નારાયણે 44 રન બનાવ્યા. આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ લીધી જ્યારે જોશ હેઝલવુડે બે વિકેટ લીધી.
વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ RCB ટીમને શાનદાર શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 95 રનની ઝડપી પાર્ટનરશિપ કરી, જેના કારણે મેચ સંપૂર્ણપણે એકતરફી બની ગઈ. સોલ્ટ 56 રનની ઈનિંગ રમીને પેવેલિયન પાછો ફર્યો, જ્યારે વિરાટ કોહલી 59 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને જીત તરફ દોરી ગયો. કેકેઆર તરફથી વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી.










