• ત્રણ મેચથી બેન્ચ ઉપર બેઠેલા રિષભ પંતને બુધવારની મેચમાં તક મળે તેવા સંકેત

  • મેચમાં વિજય મેળવનાર ટીમની સ્થિતિ પોઇન્ટ ટેબલમાં વધારે મજબૂત બનશે
  • ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાના ચોથા મુકાબલા માટે એડિલેડ પહોંચી ગઈ છે

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાના ચોથા મુકાબલા માટે એડિલેડ પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકા સામેના પરાજય બાદ ભારતીય ટીમ ચાર પોઇન્ટ સાથે બીજા ક્રમે છે અને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેણે બાંગ્લાદેશ સામે વિજય હાંસલ કરવો પડશે. આ મેચ બુધવારે એડિલેડ ખાતે બપોરે 1:30 કલાકે રમાશે. બાંગ્લાદેશના પણ ત્રણ મેચમાં ચાર પોઇન્ટ છે અને તે નેટ રનરેટના કારણે ભારત કરતાં પાછળ છે. આ મેચમાં વિજય મેળવનાર ટીમની સ્થિતિ પોઇન્ટ ટેબલમાં વધારે મજબૂત બનશે.

સિનિયર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું બાંગ્લાદેશ સામે રમવું મુશ્કેલ બન્યું છે. તેને કમરમાં સ્નાયુ જકડાઈ જવાની ઈજા થઈ છે જેના કારણે તે સાઉથ આફ્રિકા સામેની મેચની છેલ્લી પાંચ ઓવરમાં વિકેટકીપિંગ કરી શક્યો નહોતો અને તેને મેદાનની બહાર જવાની ફરજ પડી હતી. કાર્તિકના સ્થાને રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી સંભાવના છે. કાર્તિકની ઈજા કેટલી ગંભીર છે તેનો ખુલાસો થયો નથી પરંતુ હળવા દુખાવામાંથી મુક્ત થવા માટે લગભગ પાંચ દિવસનો સમય લાગતો હોય છે. બોર્ડની મેડિકલ ટીમ તેની ટ્રિટમેન્ટ કરી રહી છે. આ પ્રકારની ઈજામાં ગરમ પાણીનો શેક તથા માલિશ કરવાથી વધારે જલદી ઈજામુક્ત થઈ શકાય છે.


  • Follow us on: