• ભારતની મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ ODI સિરીઝ
  • જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી જીતી લીધી
  • વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના સદી ચૂકી ગઇ હતી

ODI સિરીઝની છેલ્લી મેચ ભારતની મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમનો વિજય થયો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી જીતી લીધી અને દક્ષિણ આફ્રિકાની ટીમનો ક્લીન સ્વીપ કર્યો. ભારતીય ટીમે ત્રીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું.

આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓ પહેલા બોલ અને પછી બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય ટીમની જીતમાં સ્મૃતિ મંધાનાની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી.

કેવી રહી મેચ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી ખાતે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વિકેટ માટે 102 રન જોડ્યા, પરંતુ અરુંધતિ રેડ્ડીએ ભારતને પ્રથમ સફળતા અપાવી અને અહીંથી દક્ષિણ આફ્રિકાની ટીમે સમયાંતરે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન અરુંધતિ રેડ્ડી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ જ્યારે શ્રેયંકા પાટિલ અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.

ભારતે સરળતાથી રનનો પીછો કર્યો

રન ચેઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો શાનદાર રમ્યા હતા. જ્યાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 61 રન ઉમેર્યા હતા. આ પછી શેફાલી વર્મા 25 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શેફાલી વર્માના આઉટ થયા બાદ સ્મૃતિ મંધાનાએ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. જોકે, તે 83 બોલમાં 90 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને તેની સદી ચૂકી ગઈ હતી. સ્મૃતિ મંધાના પાસે આ સિરીઝમાં ત્રીજી સદી ફટકારવાની શાનદાર તક હતી. સ્મૃતિ મંધાના સિવાય ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ શાનદાર બેટિંગ કરી અને 48 બોલમાં 42 રન જોડ્યા. 216 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 40.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 220 રન બનાવીને આસાનીથી મેચ જીતી લીધી હતી.

સદી ચૂકી સ્મૃતિ મંધાના

216 રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાનું બેટ જોરદાર ગર્જના કરતું હતું. સ્મૃતિએ 83 બોલનો સામનો કરીને 90 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 108 હતો. શેફાલી વર્માએ 25 રનની ઇનિંગ રમી હતી. પ્રિયા પુનિયાએ 28 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 42 રનની ઇનિંગ રમી હતી.

  • Follow us on: