- શ્રેયસ સુકાની તરીકે વધારે પરિપક્વ બનશે
- કોલકાતાની ટીમમાં શ્રેયસનો ઘણો આદર: બિશપ
- KKRની ત્રણ મેચમાં જીત ત્રણમાં હાર
કોલકાતા નાઇટ રાઇડર્સના સુકાની તરીકે પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરનાર શ્રેયસ ઐયર અંગે ભારતના ભૂતપૂર્વ કોચ તથા વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનું માનવું છે કે શ્રેયસ નેચરલ કેપ્ટન છે અને તે લાંબી સફર ખેડવાની ક્ષમતા ધરાવે છે. શાસ્ત્રીએ એવો પણ દાવો કર્યો છે કે જેમ જેમ આઇપીએલ આગળ વધશે તેમ શ્રેયસ સુકાની તરીકે વધારે પરિપક્વ બનતો જશે. નોંધનીય છે કે શ્રેયસની કેપ્ટનશિપ હેઠળ કોલકાતાની ટીમે ત્રણ મેચમાં વિજય અને ત્રણ મેચમાં પરાજયના પરિણામ મેળવ્યા છે.

શાસ્ત્રીએ શ્રેયસની કરી તારીફ
શાસ્ત્રીએ જણાવ્યું હતું કે નેતૃત્વ કહો કે લીડરશીપ, શ્રેયસમાં આ કુદરતી ક્ષમતા છે. તેની આક્રમક કેપ્ટનશિપ જોઇને એવું ક્યારેય લાગી રહ્યું નથી કે તે પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તે છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી ટીમનો સુકાની હોય તેવું લાગી રહ્યું છે. મેદાનમાં તેની હાજરી સ્પષ્ટપણે દેખાઇ આવે છે.
KKR આ વર્ષે IPL જીતશે: શાસ્ત્રી
એક બેટ્સમેન તરીકે પોતાને કેવી રીતે રમવાનું છે તે શ્રેયસ સ્પષ્ટ રીતે જાણે છે તેમ ભારપુર્વક જણાવીને શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે એક કેપ્ટન તરીકે પોતાની ટીમને પ્લે ઓફ સુધી પહોંચાડયા બાદ ટાઇટલ જીતવાનું છે તે બાબતને પણ શ્રેયસ ઘણી સારી રીતે જાણે છે. મને પૂરો વિશ્વાસ છે કે તે સુકાની તરીકે લાંબી સફર ખેડશે.

ઇયાન બિશપે શ્રેયસની પ્રશંસા કરી
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટ ઇયાન બિશપે પણ શ્રેયસની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે તેની પાસે ક્રિકેટનું બહોળું જ્ઞાન છે અને તેને કોલકાતાની ટીમના કેટલાક અનુભવી ખેલાડીઓનું પણ પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. આન્દ્રે રસેલ તથા સુનીલ નરૈન જેવા વિદેશી ખેલાડીઓ પણ શ્રેયસનો આદર કરે છે. ટીમ પાસે બ્રેન્ડન મેક્કુલમ જેવો અનુભવી કોચ છે જેની મદદથી શ્રેયસ પોતાની ટીમ માટે તૈયાર કરેલા લક્ષ્યાંક હાંસલ કરશે તેમાં કોઇ શંકા નથી.