• કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી
  • અમિત મિશ્રાએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો
  • 2013માં ગંભીર-કોહલી ઝઘડયા હતા ત્યારે રજત ભાટિયા વચ્ચે પડયા હતા

IPL 2023 ની એક મેચમાં જ્યારે મેદાન પર પહેલા વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે અને પછી કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ ત્યારે ગરમાગરમી વધી ગઇ. આ બંને ઘટના સમયે વિરાટ કોહલી અને વિપક્ષી ટીમના ખેલાડીઓ અને કોચ સામસામે હતા. આ મોમેન્ટસને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કમ સે કમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા રાખી શકાય નહીં. આ માટે કોહલી, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હકને દંડ ફટકારવામાં આવ્યો છે.

લખનૌમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બાખડયા


સમગ્ર મામલાને જોતા ઘણી વખત એવું લાગતું હતું કે વિરાટ કોહલી, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર વચ્ચેની આ ચર્ચા મારામારી સુધી પહોંચી જશે. અહીં મેદાન પર એક એવો ખેલાડી હતો જેણે દરેક તક પર વિરાટ કોહલીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં જ્યારે કોહલીએ તેના પર પ્રહારો કર્યા ત્યારે તે મોમેન્ટને ખૂબ જ આરામથી કવર કરતો જોવા મળ્યો હતો.


અમિત મિશ્રાએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો

હા, અમે વાત કરી રહ્યા છીએ અમિત મિશ્રાની જેઓ ક્રિકેટ જગતમાં મિશ્રાજી તરીકે પણ ઓળખાય છે. દિલ્હીમાં કોહલી અને ગંભીરના પાર્ટનર રહેલા અમિત મિશ્રા બંનેના નજીકના માનવામાં આવે છે. તેઓ નાનપણથી કોહલી સાથે ક્રિકેટ રમ્યા છે, તો ગંભીર તેમને ખૂબ પસંદ કરે છે. કોહલી અને નવીન-ઉલ-હક જ્યારે સામસામે હતા ત્યારે પણ અમિત મિશ્રા કોહલીને સમજાવતા જોવા મળ્યા હતા.


પાછલી વખતે રજત ભાટિયા વચ્ચે પડયા હતા

ત્યારબાદ જ્યારે મેચ પૂરી થઈ અને વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે ઝઘડો વધી ગયો, ત્યારે અમિત મિશ્રાએ જ કોહલીને પાછો ખેંચી લીધો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો. ચર્ચાની વચ્ચે એ વાત પણ રસપ્રદ હતી કે અમિત મિશ્રાએ આ સમગ્ર વિવાદને આગળ વધતો રોકવાનો પ્રયાસ કર્યો. આવું જ કંઈક રજત ભાટિયા કર્યું હતું, જ્યારે 2013માં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે ગંભીર અને RCB સ્ટાર વિરાટ કોહલી સામસામે આવ્યા હતા. અત્રે જણાવવાનું કે અમિત મિશ્રાની જેમ રજત ભાટિયા પણ દિલ્હીના જ હતા.

વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હકને દંડ ફટકારાયો

વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના કોચ ગૌતમ ગંભીરને તેમની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે નવીન-ઉલ-હકને તેમની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે. મેચની વાત કરીએ તો લો સ્કોરિંગ મેચમાં બેંગ્લોરે લખનૌને 18 રનથી હરાવ્યું હતું. બેંગ્લોરના 126 રનના જવાબમાં લખનૌની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી.


  • Follow us on: