- પ્લેઓફ રાઉન્ડમાં 2 ક્વોલિફાયર અને 1 એલિમિનેટર રમાશે
- બે મેચ ચેન્નાઈમાં અને બે મેચ અમદાવાદમાં રમાશે
- ફાઇનલ 28 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
BCCIએ શુક્રવારે IPL 2023ની પ્લેઓફ અને ફાઈનલ મેચના શેડ્યૂલની જાહેરાત કરી હતી. પ્લેઓફ રાઉન્ડમાં ત્રણ મેચો રમાશે જેમાં ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2નો સમાવેશ થાય છે. ક્વોલિફાયર-1 23 મે, એલિમિનેટર 24 મે અને ક્વોલિફાયર-2 26 મેના રોજ રમાશે. તો ફાઇનલ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
બે મેચ ચેન્નાઈમાં અને બે મેચ અમદાવાદમાં
ક્વોલિફાયર-1 અને એલિમિનેટર ચેન્નાઈમાં રમાશે. જ્યારે ક્વોલિફાયર-2 અમદાવાદમાં રમાશે. ચેન્નાઈમાં ચેપોક બંને મેચોનું આયોજન કરશે, જ્યારે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્વોલિફાયર 2 અને ફાઈનલનું આયોજન કરશે. ગત વર્ષે પણ અમદાવાદના આ જ સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાઈ હતી. ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું.
પ્લેઓફમાં કેવી રીતે રમાશે મેચો
ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે ટીમો ક્વોલિફાયર-1માં ટકરાશે. આ મેચમાં વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. આ સાથે જ હારનાર ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી જશે. જ્યારે, ગ્રુપ સ્ટેજ દરમિયાન ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો એલિમિનેટરમાં ભાગ લેશે. આ મેચમાં હારનાર ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં ક્વોલિફાયર-1ની હારેલી ટીમ સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે જ્યારે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે.
ચેન્નઈ માટે તક
છેલ્લી કેટલીક સિઝનની મેચો ભારતમાં અથવા ભારતની બહાર એક જગ્યાએ યોજાઈ છે. આવી સ્થિતિમાં, આ લીગની વિવિધ સ્થળોએ વાપસીથી ચાહકો ખૂબ જ ખુશ છે. આ સાથે જ ચેન્નાઈમાં બે પ્લેઓફ મેચ યોજાવાને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મોટી તક છે. ટીમ છેલ્લા ચારમાં રહીને ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આખી ટીમ ધોનીને ખાસ ભેટ આપવા માંગે છે.