- IPL 2024 શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે
- પ્રથમ મેચમાં MS ધોની અને વિરાટ કોહલી આમને-સામને થશે
- હેડ ટુ હેડ રેકોર્ડમાં કઇ ટીમ મારે છે બાજી
હવે IPL 2024 શરૂ થવામાં એક દિવસથી પણ ઓછો સમય બાકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આમને-સામને થશે. IPL 2024 ની પ્રથમ ટક્કર ચેન્નાઈના ચેપોકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. તો બંને ટીમો કઈ પ્લેઈંગ ઈલેવન સાથે આ મેદાનમાં પ્રવેશ કરશે, ચેપોકમાં પિચ કેવી રીતે વર્તશે અને બેમાંથી કોણ જીતના પ્રબળ દાવેદાર છે?
પિચ રિપોર્ટ
CSK અને RCB વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પીચ સ્પિનરો માટે ઘણી અસરકારક સાબિત થાય છે. સ્પિનરો આ મેદાન પર બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કરે છે. મોટે ભાગે અહીં માત્ર ઓછા સ્કોરવાળી મેચો જ જોવા મળે છે. જો કે પિચની વાસ્તવિક વર્તણૂક મેચ દરમિયાન જ ખબર પડશે, પરંતુ સ્પિનરોને મદદ મળવાની ખાતરી છે. ચેન્નાઈ પાસે મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મહિષ તિક્ષાના જેવા ગુણવત્તાયુક્ત સ્પિનરો છે, જે આરસીબીના બેટ્સમેનોનું જીવન મુશ્કેલ બનાવી શકે છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર પ્રભુત્વ ધરાવે છે. ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે 31 મેચ રમાઈ છે, જેમાં CSKનો 20માં વિજય થયો છે. જ્યારે RCB માત્ર 10 મેચ જીતી શકી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ચેપોકમાં બંને ટીમો 8 મેચ રમી છે, જેમાં ચેન્નાઈએ 7માં જીત મેળવી છે, જ્યારે બેંગલુરુએ માત્ર 1 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર હાવી થઇ શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ (c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે/સમીર રિઝવી, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (wk), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહિષ તિક્ષણા અને મુસ્તફિઝુર રહેમાન.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (c), કેમરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (wk), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ/આકાશ દીપ અને અલઝારી જોસેફ .
મોટો સ્કોર
હવે બીજા નંબરો જોઈએ. સૌથી મોટા સ્કોર વિશે વાત કરીએ તો અહીં પણ ચેન્નાઈએ બેંગલુરુને પાછળ છોડી દીધું છે. બંને ટીમોએ ગયા વર્ષે એક જ મેચમાં એકબીજા સામે પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. બેંગલોરમાં રમાયેલી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 8 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જો આપણે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમની વાત કરીએ, જ્યાં શુક્રવારે મેચ યોજાવાની છે, તો અહીં બેંગલોર સામે CSKનો સર્વોચ્ચ સ્કોર 208 રન છે, જ્યારે RCBનો 205 રન છે. યોગાનુયોગ, આ બન્ને સ્કોર 2012માં એક જ મેચમાં આવ્યા હતા.
રન અને વિકેટના મામલે કોણ આગળ
ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, બંને ટીમોમાં સૌથી વધુ રન બેંગલુરુના પૂર્વ કેપ્ટન અને બેટસમેન વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 30 ઇનિંગ્સમાં 125ના સ્ટ્રાઇક રેટથી 985 રન બનાવ્યા છે, જેમાં 9 અડધી સદી સામેલ છે. જ્યારે CSK તરફથી તેમનો કેપ્ટન ધોની સૌથી આગળ છે. તેમણે 28 ઇનિંગ્સમાં 740 રન બનાવ્યા છે, જેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 145 હતો અને 4 અડધી સદી ફટકારી હતી. બોલિંગની વાત કરીએ તો બંને બાજુના સ્પિનરોનો પ્રભાવ રહ્યો છે. આમાં સૌથી ઉપર ચેન્નાઈનો દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે જેમણે 18 ઇનિંગ્સમાં 18 વિકેટ ઝડપી છે. બેંગલુરુના ભૂતપૂર્વ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ રહ્યો છે. ચહલે ચેન્નાઈ સામે 13 ઇનિંગ્સમાં 13 વિકેટ લીધી હતી.
ચેન્નાઈની કેપ્ટનશીપમાં ફેરફાર
નોંધનીય છે કે ટૂર્નામેન્ટ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ ચેન્નાઈની ટીમે કેપ્ટનમાં મોટો ફેરફાર કર્યો છે. CSKએ ધોનીની જગ્યાએ રૂતુરાજ ગાયકવાડને આગામી સિઝન માટે કેપ્ટન બનાવ્યો છે. આવી સ્થિતિમાં, ગાયકવાડની કેપ્ટનશીપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈની ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.













