- પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણને કહ્યું અલવિદા
- ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર બન્યો
- KKRના ખેલાડીઓને ગૌતમ ગંભીરનો કડક સંદેશ
રાજનીતિ છોડ્યા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું ધ્યાન હવે IPL 2024 પર છે. ગૌતમ ગંભીર IPL 2024 માટે કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર બની ચૂક્યો છે. જે બાદ હવે ગૌતમ ગંભીરે IPLની નવી સીઝનને લઈને કોલકાતા નાઈટ રાઈડર્સને 'ગંભીર સંદેશ' આપ્યો છે. ગંભીરનું કહેવું છે કે IPL બોલિવૂડ સાથે જોડાયેલી ચમકદાર અને ગ્લેમર જેવી નથી. ક્રિકેટ માટે આ એક ગંભીર પ્લેટફોર્મ છે.
KKRના ખેલાડીઓને ગંભીરનો કડક સંદેશ
ગૌતમ ગંભીરનું કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જૂનો નાતો છે. ગૌતમ ગંભીરે તેની કેપ્ટન્સીમાં KKRને બે વખત IPL ટાઇટલ જીતાડ્યું છે. ગૌતમ ગંભીર IPL 2022 અને IPL 2023 માં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર બન્યો હતો. જે બાદ હવે પૂર્વ ભારતીય ખેલાડી ફરી એકવાર KKRમાં પરત ફર્યો છે.
ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે મેં પહેલા જ કહ્યું છે કે IPL મારા માટે ગંભીર ક્રિકેટ છે. આ બોલિવૂડ, પાર્ટીઓ અને અન્ય વસ્તુઓ જેવું નથી. એટલા માટે હું માનું છું કે IPL વિશ્વની સૌથી મુશ્કેલ લીગ છે. આ વિશ્વની સૌથી સફળ ક્રિકેટ લીગ છે જ્યાં તમારે સારું પ્રદર્શન કરવા માટે સક્ષમ હોવું જોઈએ.
KKRના ચાહકો ખૂબ જ ભાવુક
કોલકાતા ટીમના પ્રશંસકો અંગે ગૌતમ ગંભીરે કહ્યું કે KKRના ચાહકો ખૂબ જ ભાવુક હોય છે, અમારે તેમના પ્રત્યે પ્રમાણિક રહેવાની જરૂર છે. અમારે શાનદાર રમત બતાવીને ચાહકોના ચહેરા પર સ્મિત લાવવાનું છે. આ સિવાય ગંભીરે કહ્યું કે KKRના ખેલાડીઓએ મેદાનની બહારની પ્રવૃત્તિઓને બાજુ પર રાખીને મેદાન પર સારું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કોલકાતા નાઈટ રાઈડર્સની છેલ્લી સીઝન કંઈ ખાસ ન હતી. પ્લેઓફમાં પણ ટીમ પોતાની જગ્યા બનાવી શકી નથી. IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે હતી. ગત સિઝનની નિષ્ફળતા ભૂલીને આ વખતે KKR નવા મેન્ટર સાથે ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પછી KKR IPLની ત્રીજી સૌથી સફળ ટીમ છે.