- હાર્દિક પંડ્યા પર BCCIના નિયમો તોડવાનો આરોપ
- ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં હેલ્મેટ પર BCCIનો લોગો લગાવ્યો
- હાર્દિક પંડ્યાએ ડીવાય પાટિલ ટૂર્નામેન્ટમાં કરી વાપસી
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો વિવાદો સાથે જુનો સંબંધ છે. તે સતત કોઈને કોઈ વિવાદમાં રહે છે. તાજેતરમાં, જ્યારે તે અચાનક ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં પરત આવ્યો હતો અને રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી અને તેને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે કેપ્ટનસીને લઈને પણ ઘણા વિવાદો થયા હતા. સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો હતો અને રોહિત વિરુદ્ધ હાર્દિકનો માહોલ સર્જાયો હતો. પરંતુ હવે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા એક નવા વિવાદમાં ફસાઈ ગયો છે. હવે તેના પર BCCIના નિયમો તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
હાર્દિક ઈજાના કારણે ટીમમાંથી બહાર
હાર્દિક છેલ્લા 5 મહિનાથી ક્રિકેટ રમ્યો નથી. તે ODI વર્લ્ડકપ 2023થી ઈજાના કારણે ટીમમાંથી બહાર છે. હવે જ્યારે IPL 2024 નજીક છે, તેણે પોતાને ફિટ બતાવવાનું શરૂ કર્યું છે. દરમિયાન, IPL પહેલા, તે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA)ની એક ખાસ ટુર્નામેન્ટમાં રમવા આવ્યો હતો. રિલાયન્સ ટીમ તરફથી રમતી વખતે હાર્દિક જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના પર BCCIનો નિયમ તોડવાનો આરોપ લાગ્યો હતો.
હાર્દિકે કયો નિયમ તોડ્યો?
જ્યારે હાર્દિક પંડ્યા ડીવાય પાટિલ ટૂર્નામેન્ટમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના હેલ્મેટ પર BCCIનો લોગો હતો અને તેની ઉપર તિરંગો હતો. પરંતુ BCCIના નિયમો અનુસાર કોઈપણ ખેલાડી કોઈપણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં BCCIના લોગોનો ઉપયોગ કરી શકે નહીં. આ લોગોનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે ખેલાડીને BCCI દ્વારા પસંદ કરાયેલી ટીમમાં રમવાની તક મળે છે. તમે કોઈપણ અંડર-19 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ, રણજી, સૈયદ મુશ્તાક અથવા અન્ય કોઈ જગ્યાએ BCCI લોગો સાથે હેલ્મેટનો ઉપયોગ કરી શકાતો નથી. હવે હાર્દિકે આ નિયમ તોડ્યો છે અને તે ભવિષ્યમાં કોઈ મુશ્કેલીમાં મુકાય છે, તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.
હાર્દિક IPL રમવા માટે ફિટ
આ પહેલા પણ હાર્દિક પંડ્યા અચાનક ઈજાગ્રસ્ત થયો હતો અને T20 વર્લ્ડકપ 2021 બાદ બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તે IPL પહેલા સીધો જ પાછો ફર્યો હતો. ત્યાં પણ તે ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન તરીકે રમવા આવ્યો હતો. હવે આ વખતે પણ એવું જ થયું છે. હાર્દિક ODI વર્લ્ડકપ બાદથી બહાર હતો. તે ટેસ્ટ મેચ તો નથી રમી રહ્યો પરંતુ આ દરમિયાન તેણે T20 અને વનડે સીરીઝ પણ રમી નથી. પરંતુ જ્યારે IPL 2024 આવવાની છે ત્યારે તે ફિટ થઈ ગયો છે. તે 22 માર્ચથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આગેવાની કરતો જોવા મળશે.