• પ્લસ રનરેટ હૈદરાબાદનું સકારાત્મક પાસું છે, ગુજરાત આજે છેલ્લી મેચ રમશે

  • 2016ની ચેમ્પિયન હૈદરાબાદની ટીમ ટ્રેવિસ હેડ અને શર્મા ઉપર વધુ પડતો મદાર રાખે છે
  • હૈદરાબાદના 12 મેચમાં 14 પોઇન્ટ છે અને તે સર્વાધિક 18 પોઇન્ટ મેળવી શકે છે

પ્રદર્શનમાં સાતત્યતા નહીં રાખી હોવા છતાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઇપીએલના પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે ગુરુવારે ગુજરાત ટાઇટન્સ સામે વિજયની જરૂર છે. બીજી તરફ શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમ પ્રતિષ્ઠા માટે રમશે. પેટ કમિન્સની હૈદરાબાદ ટીમ ટોચની બે ટીમમાં સ્થાન નિશ્ચિત કરવાનો ટાર્ગેટ રાખશે. હૈદરાબાદને વધુ એક મેચ રમવાની બાકી છે અને તેનો નેટ રનરેટ પણ પ્લસ 0.406નો છે. હૈદરાબાદના 12 મેચમાં 14 પોઇન્ટ છે અને તે સર્વાધિક 18 પોઇન્ટ મેળવી શકે છે જેના કારણે તે ટોપ-2માં સામેલ થઈ શકે છે. હૈદરાબાદને એક સપ્તાહનો બ્રેક મળ્યો છે જેના કારણે ખેલાડીઓને રાહત મળી છે. આઠમી મેએ લખનઉ સામે વિક્રમી વિજય મેળવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ પણ મજબૂત બન્યો છે. હૈદરાબાદની ટીમ વર્તમાન સિઝનમાં હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યા હોવા ઉપરાંત કેટલાક ખરાબ પરાજયનો પણ સામનો કર્યો છે. ગુજરાતે તેને સાત વિકેટે પરાજય આપ્યો હતો. છેલ્લી પાંચ મેચમાં તેણે ત્રણ મેચમાં હારનો સામનો કર્યો હતો. 2016ની ચેમ્પિયન હૈદરાબાદની ટીમ ટ્રેવિસ હેડ અને શર્મા ઉપર વધુ પડતો મદાર રાખે છે. નીતીશ રેડ્ડી, ક્લાસેન તથા અબ્દુલ સમદે મોટી ઇનિંગ રમવી પડશે. 13 મેચમાં માત્ર પાંચ વિજય મેળવી શકેલી ગુજરાતની ટીમ વિજય સાથે લીગમાંથી વિદાય લેવાના આશયથી રમશે. હાર્દિકના ગયા બાદ ગુજરાતની ટીમનું બેલેન્સ ખોરવાઈ ગયું હતું. આ ઉપરાંત પેસ બોલર મોહમ્મદ શમીની પણ ટીમને મોટી ખોટ પડી છે. શુભમન ગિલ અને સાઇ સુદર્શન વધુ એક વખત સારી ઇનિંગ રમશે તેવી આશા છે. ડેવિડ મિલર અંતિમ મેચમાં મોટી ઇનિંગ રમવા માગશે.


  • Follow us on: