- સંજીવ ગોયન્કા પાસે પ્લેયરનું જાહેરમાં અપમાન કરવાનો કોઈ હક નથી
- વીડિયોમાં ગોયન્કાના ચહેરા ઉપર ગુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો
- લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન હોવા છતાં સમર્થકો તેના સમર્થનમાં ઊતર્યા
આઇપીએલમાં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના નાલેશીભર્યા પરાજય બાદ લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયન્કાએ ટીમના ડગઆઉટની આગળ સુકાની લોકેશ રાહુલને આકરા શબ્દોથી જાહેરમાં ખખડાવી નાખ્યો હતો. ગોયન્કાના ચહેરા ઉપર ગુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. વીડિયોમાં બંને વચ્ચે શું વાતચીત થઈ હતી તે પણ સ્પષ્ટ સંભળાય છે. જોકે ક્રિકેટ સમર્થકો ગોયન્કાની આ વર્તણૂકથી ગુસ્સે થયા છે.
સમર્થકોએ ટીકા કરી છે કે ફ્રેન્ચાઇઝીના માલિક હોવાના કારણે હતાશ થઈને સંજીવ ગોયન્કા પાસે કોઈ ઇન્ટરનેશનલ પ્લેયરનું આ રીતે અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. ગોયન્કા કદાચ ખેલભાવના ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કોઈ ફ્રેન્ચાઇઝીના માલિકે ટીમના ખેલાડીઓ સાથે જાહેરમાં અપમાનજનક વર્તન કર્યું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન હોવા છતાં સમર્થકો તેના સમર્થનમાં ઊતર્યા છે. સંજીવ ગોયન્કા અને લોકેશની એનિમેટેડ વાતચીતનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઓન-એર કોમેન્ટેટર્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સ્ટાયરિશે જણાવ્યું હતું કે આ પ્રકારની વાતચીત બંધબારણે થવી જોઈએ. મેદાનમાં ચોમેર અનેક કેમેરા છે જે કશું પણ બાકી રાખતા નથી. રાહુલે શાંત રહીને ઘણું સારું કામ કર્યું હતું.










