- મુંબઇ માટે બોલિંગ આક્રમણ ચિંતાનો વિષય, બુમરાહ સિવાયના બોલર્સે સારો દેખાવ કરવો પડશે
- બુમરાહ 13 વિકેટ સાથે આઇપીએલમાં સૌથી વધારે વિકેટ ઝડપનારો બોલર
- બુમરાહે જવાબદારી પોતાની ખભા પર ઉઠાવી, ત્રણ વિકેટ ખેરવી હતી
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સોમવારે જ્યારે આઇપીએલ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર પોતાની બોલિંગની ખામીઓને દૂર કરીને યજમાન ટીમ સામે બદલો ચૂકતો કરવા પર રહેશે. છેલ્લી ચાર મેચમાંથી ત્રણ જીત મેળવીને મુંબઇની ટીમ હવે પરાજયના દુષ્ચક્રમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે અને સત્રની ખરાબ શરૂઆત બાદ પોઇન્ટ ટેબલમાં તે હાલ છઠ્ઠા સ્થાને છે જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ તોફાની ઝડપે આગળ વધતા 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.
પાંચ વારની ચેમ્પિયન મુંબઇએ પોતાની છેલ્લી મેચમાં આશુતોષ શર્માની અર્ધસદી છતાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ નવ રને જીત મેળવી હતી. બુમરાહે ફરીવાર જવાબદારી પોતાની ખભા પર ઉઠાવી હતી અને ત્રણ વિકેટ ખેરવી હતી. ભારતના આ સ્ટાર બોલરે નવા બોલથી સારો દેખાવ કર્યો છે અને વધારે રન આપ્યા વિના જ આ વિકેટ ખેરવી હતી. બુમરાહ 13 વિકેટ સાથે આઇપીએલમાં સૌથી વધારે વિકેટ ઝડપનારો બોલર છે. પણ ટીમના અન્ય બોલર્સ સારો દેખાવ કરી શક્યા નથી.










