• IPLની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે લીધો મોટો નિર્ણય
  • ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે કેપ્ટન બનાવ્યો
  • રોહિત આગામી સિઝનમાં ફ્રેન્ચાઇઝી માટે રમશે

IPLની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. તેણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ટૂર્નામેન્ટમાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક કમાન સંભાળશે. રોહિત 10 વર્ષ સુધી મુંબઈનો કેપ્ટન હતો. તેણે ટીમને પાંચ વખત ચેમ્પિયન પણ બનાવ્યું હતું. હાર્દિક અગાઉ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તે ટીમને બે વખત ફાઇનલમાં લઈ ગયો. ગુજરાતની ટીમ 2022માં ચેમ્પિયન બની હતી અને 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં હારી હતી. રોહિત આગામી સિઝનમાં ફ્રેન્ચાઇઝી માટે રમશે.

રોહિતે 10 MIને કરી લીડ

રોહિત શર્મા 2013માં મુંબઈનો કેપ્ટન બન્યો હતો. તેની કેપ્ટનશીપ હેઠળ જ મુંબઈએ તેના તમામ પાંચ ખિતાબ જીત્યા હતા. રોહિતે 2013, 2015, 2017, 2019 અને 2020માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગત સિઝનમાં મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ ટાઈટલ મેચ સુધી પહોંચી શકી નહોતી.

'ભવિષ્યની તૈયારી તરફ આ એક મોટું પગલું'

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ માહેલા જયવર્દનેએ કહ્યું કે ભવિષ્ય માટે તૈયારી કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે હંમેશા અસાધારણ નેતૃત્વ રહ્યું છે, સચિનથી લઈને હરભજન સિંહ સુધી અને રિકી પોન્ટિંગથી લઈને રોહિત શર્મા સુધી, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપ્યું છે, ત્યારે ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર પણ નજર રાખી છે. આ વિચારધારાને અનુરૂપ, હાર્દિક પંડ્યા IPL 2024 સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.

જયવર્દનેએ રોહિતના વખાણ કર્યા

જયવર્દનેએ કહ્યું, “અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. 2013થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણ રહ્યો છે. તેમના નેતૃત્વએ ટીમને અપ્રતિમ સફળતા જ નહીં અપાવી પરંતુ તેને IPLના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે સ્થાન પણ અપાવ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, મુંબઈ અત્યાર સુધીની સૌથી સફળ અને મનપસંદ ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા મેદાનમાં અને બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું. અમે MIના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું સ્વાગત કરીએ છીએ અને તેને શુભેચ્છા પાઠવીએ છીએ.

  • Follow us on: