- KKR સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું
- 26 મેના રોજ KKRને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ફાઈનલ રમશે
- પ્લેઓફની મેચો વચ્ચે રહેમાનુલ્લાહ ગુરબાઝની મુશ્કેલીઓ વધી
IPL 2024માં પ્લેઓફની મેચો રમાઈ રહી છે. માત્ર 3 મેચ બાદ નક્કી થશે કે IPL 2024ની વિજેતા ટીમ કોણ છે. પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય થયો હતો. હવે આજે એટલે કે 22મી મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ 24મી મેના રોજ હૈદરાબાદ સામે ક્વોલિફાયર-2 રમવાની છે.
કોણ છે સ્ટાર ખેલાડી?
IPL 2024ની પ્લેઓફ મેચો વચ્ચે એક ખેલાડીનું ટેન્શન વધી ગયું છે. પ્લેઓફ મેચો પહેલા સુનીલ નારાયણ અને ઈંગ્લેન્ડના ખેલાડી ફિલ સોલ્ટ KKR માટે ઓપનિંગ કરતા હતા, પરંતુ ICC T20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ IPL અધવચ્ચે છોડીને પોતાના દેશમાં પરત ફર્યા છે, જેમાં ફિલ સોલ્ટનો પણ સમાવેશ થાય છે. આ કારણથી KKRએ અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝને ઓપનર તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રહેમાનુલ્લાહએ ક્વોલિફાયર મેચમાં 23 રનની ઇનિંગ રમી હતી. હવે KKRને ફાઈનલ મેચમાં પણ ગુરબાઝ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પરંતુ પ્લેઓફ વચ્ચે ગુરબાઝની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ખેલાડીની માતાની તબિયત ખરાબ
રહેમાનુલ્લા ગુરબાઝ ભલે KKR સાથે રમવા માટે ટીમમાં જોડાયો હોય, પરંતુ તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. આ જાણકારી ખુદ ગુરબાઝે આપી છે. તેણે જણાવ્યું કે તેની માતાની તબિયત ઘણી બગડી છે. ગુરબાઝે કહ્યું કે મને ફ્રેન્ચાઈઝી તરફથી સંદેશ મળ્યો કે ટીમમાં તારી જરૂર છે, તેથી હું પરત ફરવા માટે રાજી થઈ ગયો. મારો પરિવાર માત્ર મારી માતા જ નથી પણ KKR પણ છે. આ કારણોસર મેં ટીમમાં ફરી જોડાવાનો નિર્ણય કર્યો છે. KKRને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવાની છે.