• ડબલ હેડર-2 । બંને ટીમો પ્લે ઓફ માટેનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઊતરશે

  • યશસ્વી જયસ્વાલે મુંબઇ સામેની છેલ્લી મેચમાં 60 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા
  • લખનઉની ટીમ આઠ મેચમાં પાંચ વિજય સાથે ચોથા ક્રમાંકે છે

શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ આઇપીએલમાં શનિવારે રમાનારા ડબલ હેડરના બીજા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સના હોમગ્રાઉન્ડમાં મેચ માટે મેદાનમાં ઊતરશે ત્યારે સુકાની સંજુ સેમસનની ટીમ વિજયની રિધમની જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ લખનઉની ટીમ રાજસ્થાન સામે છેલ્લી મેચમાં મળેલા પરાજયનો હિસાબ સરભર કરવાના ટાર્ગેટ સાથે રમશે.ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાનની ટીમ આ વખતે આઠ મેચમાં સાત વિજય હાંસલ કર્યા છે અને તેના માટે લખનઉ સામે વિજય મેળવવો આસાન રહેશે. લખનઉની ટીમ આઠ મેચમાં પાંચ વિજય સાથે ચોથા ક્રમાંકે છે. ગુજરાત સામેના એકમાત્ર પરાજયને બાદ કરતાં રાજસ્થાને સતત સારો દેખાવ કર્યો છે અને છેલ્લી ત્રણ મેચમાં સતત વિજય મેળવ્યા છે. રિયાન પરાગ બેટિંગને મજબૂત બનાવી રહ્યો છે. ઓપનર યશસ્વી જયસ્વાલે મુંબઇ સામેની છેલ્લી મેચમાં 60 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા જેના કારણે રાજસ્થાનની ટીમે 180 રનના ટાર્ગેટને એક વિકેટે હાંસલ કરી લીધો હતો. જયસ્વાલ અને બટલરની સાથે ટોચનો બેટિંગ ક્રમ કોઈ પણ બોલિંગ આક્રમણના છોતરાં કાઢી શકે છે.

સતત બે વિજય મેળવ્યા બાદ લોકેશ રાહુલના નેતૃત્વ હેઠળની લખનઉ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે રાજસ્થાન સામે જીતીને પ્લે ઓફ માટે પોતાનો દાવો મજબૂત કરી શકે છે. રાહુલ અને ડી કોક ફોર્મમાં છે પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનોનું પ્રદર્શન ચિંતાજનક બન્યું છે. સ્ટોનિસે ચેન્નઈ સામેની છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારી હતી. તેની પાસેથી વધુ એક વખત મોટી ઇનિંગની આશા રખાશે. દેવદત્ત પડ્ડિકલ, નિકોલસ પૂરન તથા દીપક હૂડાએ વધારે સારો દેખાવ કરવો પડશે.


  • Follow us on: