- RCBએ હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર જીત મેળવી
- જીત નોંધાવીને RCBએ પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રાખી
- RCBના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં જ જીતની ઉજવણી કરી
ફાફ ડુપ્લેસીસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમે રવિવારે હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર જીત નોંધાવીને પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રાખી છે. RCBની આ સતત પાંચમી જીત છે અને તેણે ખરાબ શરૂઆત બાદ જબરદસ્ત વાપસી કરી છે. RCBએ સિઝનની શરૂઆત સારી કરી ન હતી અને સતત 6 મેચ હારી હતી, જેના કારણે પ્લેઓફમાં પહોંચવાની તેની તકો ધૂંધળી થઈ ગઈ હતી. જોકે, RCBએ સતત પરાજય બાદ તેની રમતનો અંદાજ બદલ્યો હતો અને જીતના પાટા પર પરત ફરવામાં સફળ રહ્યું હતું.
મેચમાં શું થયું?
IPL 2024ની 62મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. RCBની આ સતત પાંચમી જીત હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 32 બોલમાં 52 રન અને વિલ જેક્સે 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 27 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં 140 રનમાં સમેટાઈ ગઈ હતી. રિષભ પંતની જગ્યાએ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા અક્ષર પટેલે 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. યશ દયાલે ત્રણ અને લોકી ફર્ગ્યુસને બે વિકેટ ઝડપી હતી.
RCB પ્લેઓફની રેસમાં યથાવત
ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. તેઓ 13 મેચ બાદ છ જીત અને સાત હાર સાથે 12 પોઈન્ટ ધરાવે છે. દિલ્હી સામેની જીત સાથે ટીમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બેંગલુરુએ તેની છેલ્લી મેચ 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચિન્નાસ્વામી ખાતે રમવાની છે. આ મેચ પર બંને ટીમનું ભાવિ નિર્ભર રહેશે. જો ચેન્નાઈ જીતશે તો RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. તે જ સમયે, જો બેંગલુરુ જીતે છે તો તેણે સારા માર્જિનથી જીતવું પડશે જેથી નેટ રન રેટ ચેન્નાઈ કરતા વધુ સારો થઈ શકે. આ પછી પણ બેંગલુરુએ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
જીત બાદ ખેલાડીઓએ કરી ઉજવણી
દિલ્હી સામેની જીત RCB માટે લાઈફલાઈનથી ઓછી નહોતી. જો ટીમ દિલ્હી સામે હારી ગઈ હોત તો તેના માટે દરવાજા લગભગ બંધ થઈ ગયા હોત. RCBના ખેલાડીઓને આ વાતની પૂરેપૂરી જાણ હતી, તેથી જીત બાદ તેઓ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહીં અને ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં જ જીતની ઉજવણી કરી. RCBના કોચિંગ સ્ટાફે શાનદાર પ્રદર્શન કરનાર ટીમના દરેક સભ્યની પ્રશંસા કરી હતી. તેનો વીડિયો RCB દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કેમેરોન ગ્રીન અને રજત પાટીદાર જેવા ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત જોવા મળે છે.
'ફાફ અને કોહલી કરી રહ્યાં છે આગેવાની'
RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે ટોપ ઓર્ડરની રમવાની રીત બદલવાની વાત કરી હતી. ફ્લાવરે RCBની બોલિંગ આક્રમકતાની પણ પ્રશંસા કરી હતી. ફ્લાવરે કહ્યું, ફાફ અને વિરાટ પોતાની આક્રમક રમતથી ટીમને લીડ કરી રહ્યા છે અને ટીમના બાકીના ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. મોહમ્મદ સિરાજ અને યશ દયાલ નવા બોલ સાથે શાનદાર બોલિંગ કરી રહ્યા છે.