• કોલકાતાના સ્પિનર્સ પણ પંજાબના બેટ્સમેનોની કસોટી કરશે

  • સુનીલ નરૈન તથા ફિલ સોલ્ટની જોડીએ 12 રન પ્રતિ ઓવરની સરેરાશથી રન બનાવ્યા
  • સોલ્ટે પેસ બોલર્સ સામે 176 તથા સ્પિનર્સ સામે 138ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા

આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ઘરઆંગણે ઇડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સની યજમાની કરશે. કોલકાતાના ઓપનર સુનીલ નરૈન તથા ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ વર્તમાન સિઝનમાં કોલકાતા માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. બંનેએ લગભગ 12 રન પ્રતિ ઓવરની સરેરાશથી રન બનાવ્યા છે અને ત્રીજા ક્રમની ફાસ્ટેસ્ટ રન બનાવનાર જોડી બની છે. કોલકાતાએ આ બંનેના કારણે પાવરપ્લેમાં લગભગ 11 રન પ્રતિ ઓવરથી રન બનાવ્યા છે. સોલ્ટે પેસ બોલર્સ સામે 176 તથા સ્પિનર્સ સામે 138ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. મિડલ ઓર્ડરમાં આન્દ્રે રસેલે પંજાબ સામે 200ના સ્ટ્રાઇક રેટથી કુલ 408 રન બનાવ્યા છે. કોઇ પણ ટીમ સામે તેનો આ હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટ છે. ઇડનમાં રસેલ અત્યાર સુધી 79 છગ્ગા ફટકારી ચૂક્યો છે અને તેને કાબૂમાં રાખવો તે પંજાબના બોલર્સ સામે મોટા પડકાર સમાન રહેશે. હર્ષલ પટેલ સામે રસેલ કેવું રમે છે તે પણ રસપ્રદ બની રહેશે કારણ કે હર્ષલ તેને ચાર વખત આઉટ કરી ચૂક્યો છે.

પંજાબ સામે બેટિંગ ખાસ કરીને ટોચના ઓર્ડરનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. ઓપનર શિખર ધવન ફિટ થયો છે અને તે કોલકાતા સામે મેદાનમાં ઉતરે તેવી પૂરી સંભાવના છે. આ સિઝનમાં તેના ટોચના પાંચ બેટ્સમેનો આઠ ઇનિંગમાં કુલ 794 રન બનાવી શક્યા છે. ત્યારબાદ છથી આઠ ક્રમના ખેલાડીઓએ લગભગ 35ની સરેરાશથી 487 રન બનાવ્યા છે. કોલકાતાના સ્પિન આક્રમણ સામે પંજાબના બેટ્સમેનોની આકરી કસોટી થશે.


  • Follow us on: