- ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થતા આગામી મેચમાં નહીં રમે
- મેક્સવેલ બેટથી પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નથી
- આરસીબી ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે
આઈપીએલ-2024 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે અત્યાર સુધીની નિરાશાજનક રહી છે.આરબીની ટીમને ટુર્નામેન્ટમાં સળંગ ચોથી હારનો સામનો કરવો પડયો છે. આરસીબીને મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પરાજિત કરી હતી. જે એના આ ટુર્નામેન્ટની છ મેચ પૈકી પાંચમી હાર હતી. આરસીબી ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ટીમ હવે 15 એપ્રિલે હૈદ્રાબાદની સાથે રમશે. આ મેચથી પહેલા આરસીબીને એક આંચકો લાગ્યો છે અને ટીમના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો છે અને તેનું આગામી મેચમાં રમવું નક્કી નથી.
મેક્સવેલને અંગૂઠામાં ઈજા થઈ હતી
મળતી માહિતી અનુસાર, મેક્સવેલને મુંબઈ ઈન્ડિયન્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે અંગૂઠામાં ઈજા થઈ હતી અને તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. આકાશ દીપના બોલ પર સૂર્યકુમાર યાદવે જોરદાર શોટ રમ્યો અને બોલ સીધો મેક્સવેલના હાથમાં ગયો. બોલ ખૂબ જ ઝડપથી આવ્યો જેના કારણે મેક્સવેલ તેને પકડી શક્યો નહીં અને ઈજાગ્રસ્ત થયો. આ પછી જ મેક્સવેલ મેદાનની બહાર થઈ ગયો હતો.
મેક્સવેલ બેટથી પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નથી
આઈપીએલની વર્તમાન સિઝનમાં મેક્સવેલનું બેટ હજુ પણ શાંત છે અને તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મેક્સવેલ મુંબઈ ઈન્ડિયન્સ સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. તેની IPL કારકિર્દીમાં આ 17મી વખત હતો જ્યારે મેક્સવેલ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થનાર ખેલાડી છે. આ મામલે મેક્સવેલ રોહિત શર્મા અને દિનેશ કાર્તિકની બરાબરી પર પહોંચી ગયો છે. હકીકતમાં, તે IPLમાં આટલી વખત ગોલ્ડન ડક્સ પર આઉટ થનાર પ્રથમ વિદેશી ખેલાડી છે.
ગ્રીન પુનરાગમન કરી શકે છે
જો મેક્સવેલ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે નહીં રમી શકે તો પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને કેમરોન ગ્રીનને તક મળી શકે છે. મેક્સવેલની જેમ ગ્રીનનું પણ આ સિઝનમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી જેના કારણે તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. મુંબઈ સામે ગ્રીનની જગ્યાએ વિલ જેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જો મેક્સવેલ હાજર ન હોય, તો ગ્રીન પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે.