- પંત એક મેચના સસ્પેન્શન બાદ આજે રમશે, લખનઉ માટે વધારે તક
- બંને ટીમો સમીકરણોના આધારે હજુ પ્લે ઓફ્માં જીવંત
- ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ દિલ્હીનો મુખ્ય બોલર રહ્યો છે
આઇપીએલનો 64મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બંને ટીમો સમીકરણોના આધારે હજુ પ્લે ઓફ્માં જીવંત છે. અન્ય ટીમોની સ્થિતિ જોતાં બંનેની અંતિમ-4માં પહોંચવાની સંભાવના એકદમ નજીવી છે. દિલ્હીની ટીમનો માર્ગ અત્યંત મુશ્કેલ છે હવે માત્ર 14 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. બે મેચ બાકી હોવાના કારણે લખનઉની ટીમ 16 પોઇન્ટ હાંસલ કરી શકે છે પરંતુ પ્લે ઓફ્માં પહોંચવા માટે તેને બીજી ટીમોના પરિણામ ઉપર મદાર રાખવો પડે તેમ છે. આ ઉપરાંત નેટ રનરેટ પણ ગણતરીમાં લેવાશે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી ચાર મુકાબલા થયા છે જેમાં લખનઉ 3-1થી આગળ છે. બંને ટીમ ચાલુ વર્ષે લખનઉમાં આમનેસામને થઇ હતી ત્યારે જેક ફ્રેઝરની તોફની બેટિંગ વડે દિલ્હીને છ વિકેટના માર્જિનથી વિજય મળ્યો હતો.
ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ દિલ્હીનો મુખ્ય બોલર રહ્યો છે અને તેના નામે 10 મેચમાં 15 વિકેટ નોંધાયેલી છે. તે લખનઉના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તે નિકોલસ પૂરનને ટી20 ક્રિકેટમાં પાંચ વખત આઉટ કરી ચૂક્યો છે. સ્લો ઓવર રેટના કારણે એક મેચ માટે સસ્પેન્ડ થયેલો રિષભ પંત લખનઉ સામે રમશે અને લખનઉના સ્પિનર્સે તેનાથી સાવચેત રહેવું પડશે. જોકે કૃણાલ પંડયા તેને ત્રણ વખત આઉટ કરી ચૂક્યો છે. બંને ટીમ વર્તમાન આઇપીએલમાં પાવરપ્લેનો લાભ ઉઠાવવામાં નિષ્ફ્ળ રહી છે. દિલ્હીએ ઘણા વિકલ્પો અજમાવ્યા હતા પરંતુ અભિષેક પોરેલને બાદ કરતાં અન્ય કોઇ જેક ફ્રેઝરને સાથ આપી શક્યો નથી. લખનઉ સામે પણ ઓપનિંગની સમસ્યા છે. સુકાની લોકેશ રાહુલની ટીમે પ્લે ઓફ્ની સંભાવના જીવંત રાખવા માટે વિજય મેળવવા ઉપરાંત રનરેટ ઉપર પણ ધ્યાન રાખવું પડશે.










