• 44 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે વરસાદની નહિવત્ સંભાવના

  • હારનાર ટીમને ફાઇનલમાં પ્રવેશવા માટે બીજી તક મળશે
  • બોલિંગ અને બેટિંગમાં બંને ટીમો સમાન, ટોસ જીતનાર પ્રથમ ફિલ્ડિંગ કરશે

આઇપીએલ 2024ની સિઝન હવે પ્લે ઓફ તબક્કામાં પહોંચી ચૂકી છે અને મંગળવારે બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર-1 મુકાબલો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફુલ રહે તેવી પૂરી સંભાવના છે. સંભવિત 44 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે વરસાદની નહિવત્ સંભાવના છે. કોલકાતા આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહી છે. હૈદરાબાદની ટીમે પણ ગ્રૂપ તબક્કામાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. સિઝનની ત્રણ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે પરંતુ અમદાવાદમાં રમાનારા પ્લે ઓફના પ્રથમ બે મુકાબલામાં વરસાદનું વિઘ્ન નડશે નહીં અને બંને મુકાબલા 20-20 ઓવરના રમાય તેવી પૂરી સંભાવના છે. વરસાદની સૌથી મોટી અસર કોલકાતાની ટીમને થઈ છે. જેણે છેલ્લા 10 દિવસથી લીગમાં એક પણ મુકાબલો રમ્યો નથી. ગુજરાત સામેની મેચ ધોવાઈ ગયા બાદ રાજસ્થાન સામેના મુકાબલામાં કોલકાતાના પ્લેયર્સને મેદાનમાં ઉતરવાની તક મળી નહોતી. બીજી તરફ હૈદરાબાદની ટીમનો પણ ગુજરાત સામેની મુકાબલો ધોવાઈ ગયો હતો. અમદાવાદમાં હવામાન સ્વચ્છ રહેશે અને વધારે પડતી ગરમી તથા ભેજના કારણે બીજા દાવમાં ઝાકળનું પરિબળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે.

કોલકાતા 13માંથી આઠ પ્લે ઓફ મુકાબલા જીતી છે

કોલકાતાની ટીમ અત્યાર સુધી 13 વખત આઇપીએલના પ્લે ઓફ તબક્કામાં પહોંચી છે અને આઠ વખત જીતી છે. પાંચ મેચમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. રસપ્રદ બાબત એ છે કે કોલકાતા ક્યારેય ક્વોલિફાયર-1 હારી નથી. આ સ્થિતિમાં હૈદરાબાદ તેને પડકાર ફેંકી શકે છે. કોલકાતાના બે વખત એલિમિનેટર અને બે વખત ક્વોલિફાયર-2માં પરાજયનો સામનો કરવો પડયો છે. બે વખત ક્વોલિફાયર-1 રમી છે અને બંને વખત ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બની છે.

ફાઇનલમાં પહોંચવા બંને ટીમ પાસે બે-બે તક રહેશે

ગ્રૂપ તબક્કામાં ટોચના બે સ્થાને રહેવાનો ફાયદો કોલકાતા અને હૈદરાબાદ બંનેને મળશે. લીગના નિયમો અનુસાર ક્વોલિફાયર-1 રનનાર બંને ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બે વખત તક મળે છે. કોલકાતા અને હૈદરાબાદની મેચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. હારનારી ટીમને બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી એલિમિનેટરની વિજેતા ટીમ સામે થશે. આરસીબી અને રાજસ્થાન વચ્ચેની મેચમાં જે ટીમ હારશે તેનું અભિયાન પૂરું થઈ જશે. વિજેતા ટીમ ક્વોલિફાયર-1માં હારનારી ટીમ સામે ટકરાશે.

ટાર્ગેટ ચેઝ કરનાર ટીમ ફાયદામાં રહે છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 33 આઇપીએલની મેચ રમાઈ છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 15 વખત અને રનચેઝ કરનાર ટીમ 18 મેચમાં વિજેતા રહી છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 168 રનનો છે. હાઇએસ્ટ ટોટલ 223 રનનો છે જે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે નોંધાયો હતો. વર્તમાન સિઝનમાં છ મુકાબલા રમાયા હતા જેમાં પ્રથમ બેટિંગ કરનાર બે વખત અને ચેઝ કરનાર ચાર વખત જીતી હતી.

કોલકાતા વિ. હૈદરાબાદ હેડ ટૂ હેડ આંકડા

કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી કુલ 26 મુકાબલામાં રમાયા છે જેમાં કોલકાતા 17 તથા હૈદરાબાદ નવ મેચમાં વિજેતા બની હતી. આ સિઝનમાં બંને વચ્ચે રમાયેલા એક મુકાબલામાં કોલકાતાનો વિજય થયો હતો.

  • Follow us on: