- વિરાટ કોહલીએ RCB સાથે IPLમાં 16 વર્ષ પૂરા કર્યા
- આ દરમિયાન કોહલીએ 7 સદી અને 50 ફિફ્ટી ફટકારી
- વિરાટ કોહલીએ વર્ષ 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. જ્યારે વિરાટ કોહલી હવે IPL 2024માં વાપસી કરી શકે છે. વિરાટ કોહલી અને તેની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે IPLમાં 16 વર્ષ પૂરા કર્યા છે. વિરાટ કોહલી જ્યારથી IPL રમી રહ્યો છે ત્યારથી RCB સાથે છે. આજ સુધી વિરાટ કોહલીએ એક પણ સિઝન માટે RCB છોડ્યું નથી.
RCBએ વિરાટ માટે એક ખાસ વીડિયો શેર કર્યો
વિરાટ કોહલીએ વર્ષ 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે, વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં, અંડર-19 ટીમે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. આ પછી જ વિરાટ કોહલી IPLમાં ડેબ્યૂ કરીને RCB સાથે જોડાયો. ત્યારથી લઈને આજ સુધી વિરાટ કોહલી માત્ર RCB માટે જ IPLમાં રમતા જોવા મળે છે. હવે, વિરાટ કોહલીની વફાદારી બતાવવા માટે, RCBએ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે RCBએ લખ્યું કે વફાદારી સર્વોચ્ચ છે. અમે તમને પ્રેમ કરીએ છીએ, કિંગ કોહલી.
IPLમાં વિરાટ માટે 2016નું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું
વિરાટ કોહલીના ફેન્સ હંમેશા તેને આરસીબીની જર્સીમાં જોવા માંગે છે.હવે ફરી એકવાર ફેન્સ વિરાટ કોહલીને આરસીબીની જર્સીમાં જોવા માટે ઉત્સુક છે. IPLના ઈતિહાસમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 237 મેચ રમી છે જેમાં કોહલીએ 229 ઈનિંગ્સમાં 7263 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 7 સદી અને 50 ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલી માટે 2016ની આઈપીએલ સીઝન ઘણી ખાસ હતી. આ સિઝનમાં વિરાટના બેટથી 900થી વધુ રન થયા હતા. આ સાથે વિરાટ કોહલી IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
2022માં ટીમની કેપ્ટનશિપ છોડી
વિરાટ કોહલીએ ઘણા વર્ષો સુધી RCBની કેપ્ટનશિપ પણ કરી હતી પરંતુ તે પોતાની ટીમ માટે IPLનો ખિતાબ જીતી શક્યો ન હતો. જે બાદ વિરાટે વર્ષ 2022માં RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારથી, RCBની કપ્તાની દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસ કરી રહ્યા છે.