IPL મેગા ઓક્શન 2025 24 અને 25 નવેમ્બરે યોજાશે. ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારી IPL મેગા ઓક્શન 2025માં હરાજી થનાર ખેલાડીઓની યાદીમાં સામેલ નથી. આ યાદીમાં કુલ 574 ખેલાડીઓ સામેલ છે, જેમાંથી 366 ભારતીય અને 208 વિદેશી છે. આર્ચરની ગેરહાજરીમાં 42 વર્ષીય જેમ્સ એન્ડરસનને સ્થાન મળ્યું છે. 10 ટીમો પાસે કુલ 204 સ્લોટ છે, જેમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે છે. IPL મેગા ઓક્શન IST બપોરે 3:00 વાગ્યે શરૂ થશે


કેમરન ગ્રીનને ન મળ્યું સ્થાન

જોફ્રા આર્ચર ઉપરાંત કેમેરોન ગ્રીનનું નામ પણ આ યાદીમાં નથી. આ વખતે RCBએ પણ તેને રિલીઝ કરી દીધો છે. તે પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. આ કારણે તે 6 મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં. શરૂઆતમાં 1574 ખેલાડીઓએ હરાજી માટે નોંધણી કરાવી હતી.

આ વખતે માર્કી ખેલાડીઓના બે સેટ હશે. પ્રથમ સેટમાં જોસ બટલર, શ્રેયસ ઐયર, રિષભ પંત, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ અને મિશેલ સ્ટાર્કનો સમાવેશ થાય છે. બીજા સેટમાં યુઝવેન્દ્ર ચહલ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મિલર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ સામેલ છે. આ 12 ખેલાડીઓમાંથી માત્ર મિલરની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા છે જ્યારે અન્ય ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે.


મેગા ઓક્શનમાં ખેલાડીઓની બેઝ પ્રાઈસ શું હશે?

આ મેગા ઓક્શનમાં 81 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. જ્યારે 27 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા છે. આ સૂચિમાં 18 ખેલાડીઓ છે, જેમની બેઝ પ્રાઈઝ 1.25 કરોડ રૂપિયા છે.

BCCIએ પ્રેસ રિલીઝમાં શું કહ્યું?

BCCIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં લખ્યું છે- IPL મેગા ઓક્શન 2025 માટે કુલ 574 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 નવેમ્બર અને 25 નવેમ્બરે આ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે.

જેદ્દાહમાં યોજાશે મેગા ઓક્શન

ઉલ્લેખનીય છે કે IPL મેગા ઓક્શન 2025નું આયોજન 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં કરવામાં આવશે. આ મેગા ઓક્શનમાં કેએલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ જેવા મોટા ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. આ સિવાય જોસ બટલર, ડેવિડ વોર્નર, ટિમ ડેવિડ, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી અને મિશેલ સ્ટાર્ક જેવા મોટા વિદેશી નામ સામેલ છે.

હરાજીમાં પંજાબ કિંગ્સ પાસે છે સૌથી વધુ પૈસા 

આ વખતે મેગા ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઈઝીને પોતપોતાની ટીમો પૂરી કરવા માટે રૂ. 120 કરોડનું પર્સ મળ્યું હતું. કોઈપણ ટીમની ટીમમાં વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ હોઈ શકે છે. જાળવી રાખ્યા બાદ પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 110 કરોડ રૂપિયા બાકી છે. આ વખતે તેણે માત્ર બે જ ખેલાડીઓને રિટેન કર્યા છે. 

  • Follow us on: