દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. ચાલુ સિઝનમાં હૈદરાબાદનો આ સતત બીજો પરાજય છે. આ મેચમાં SRH એ પ્રથમ બેટિંગ કરી અને 163 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હીએ 16મી ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું.
દિલ્હી કેપિટલ્સે પણ સતત બીજી જીત નોંધાવી છે, જેમાં ફાફ ડુ પ્લેસિસે અડધી સદી ફટકારી છે. ડુ પ્લેસિસના 50 રન SRHના અનિકેત વર્માના 74 રન કરતાં વધુ હતા.
દિલ્હીએ સરળતાથી હાંસલ કર્યું લક્ષ્ય
દિલ્હી કેપિટલ્સને 164 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં, જેક ફ્રેઝર મેકગર્ક અને ફાફ ડુ પ્લેસિસે દિલ્હીને તોફાની શરૂઆત અપાવી. મેકગર્ક અને ડુ પ્લેસિસ વચ્ચે 81 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ. મેકગર્કે 38 રન બનાવ્યા, જ્યારે ડુ પ્લેસિસે 27 બોલમાં 50 રનની તોફાની ઈનિંગ રમી અને દિલ્હીની જીતનો પાયો નાખ્યો. આ ઈનિંગમાં તેને 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
દિલ્હી તરફથી અભિષેક પોરેલે પણ ચમકીને સિક્સર ફટકારીને દિલ્હી કેપિટલ્સનો વિજય સુનિશ્ચિત કર્યો. પોરેલે 18 બોલમાં 34 રનની અણનમ ઈનિંગ રમી. ટ્રિસ્ટન સ્ટબ્સ પણ 14 બોલમાં 21 રન બનાવીને અણનમ પાછો ફર્યો. કેએલ રાહુલ આઈપીએલ 2025 માં પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો, જે મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં પરંતુ 5 બોલમાં 15 રન બનાવીને ધૂમ મચાવી. રાહુલે 5 બોલની પોતાની ટૂંકી ઈનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
મિચેલ સ્ટાર્કે લીધી 5 વિકેટ
દિલ્હી કેપિટલ્સની જીતનો પાયો મિચેલ સ્ટાર્ક દ્વારા નંખાયો હતો. તેને સનરાઈઝર્સ હૈદરાબાદના 5 બેટ્સમેનોને આઉટ કર્યા જેમાં ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે. સ્ટાર્ક સિવાય કુલદીપ યાદવે પણ દિલ્હી માટે 3 વિકેટ લીધી. તમને જણાવી દઈએ કે 5 વિકેટ લઈને, સ્ટાર્ક પર્પલ કેપની રેસમાં પહેલા સ્થાને આવી ગયો છે.