દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ IPL 2025 માટે એકદમ નવી ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કર્યા છે. દિલ્હીએ તેના કેપ્ટન રિષભ પંતને પણ બહાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી નવા કેપ્ટનની શોધમાં છે.

દિલ્હીને મળ્યું રિષભ પંતનું રિપ્લેસમેન્ટ

રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હી કેપિટલ્સે IPL 2025 માટે પોતાનો કેપ્ટન નક્કી કરી લીધો છે. રિપોર્ટ અનુસાર દિલ્હી હવે રિષભ પંતની જગ્યાએ અક્ષર પટેલને કેપ્ટનશિપ સોંપવા જઈ રહ્યું છે. જોકે, દિલ્હી કેપિટલ્સે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સથી આ જાણકારી સામે આવી છે.

દિલ્હીએ પંતને કર્યો રિલીઝ

દિલ્હી કેપિટલ્સ અને રિષભ પંત વચ્ચેના ખરાબ સંબંધોના સમાચાર પહેલા જ સામે આવ્યા હતા. થોડા સમય પહેલા રિષભ પંતે પણ હરાજીમાં જવા અંગે ટ્વીટ કર્યું હતું. જો કે, તે સમયે બધાએ તેને મજાક માની હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવ્યા હતા કે પંત અને દિલ્હી વચ્ચે બધુ બરાબર નથી. ત્યારપછી જ્યારે દિલ્હીએ પંતને રિલીઝ કર્યો ત્યારે તમામ અટકળો અને અહેવાલો સાચા સાબિત થયા.

દિલ્હીએ આ ખેલાડીઓને કર્યા રિટેન

દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને રૂ. 16.5 કરોડમાં, કુલદીપ યાદવને રૂ. 13.25 કરોડમાં, ટ્રસ્ટન સ્ટબ્સને રૂ. 10 કરોડમાં અને અભિષેક પોરેલને રૂ. 4 કરોડમાં જાળવી રાખ્યા છે. જોકે, આઈપીએલ 2025માં દિલ્હીનો કેપ્ટન કોણ હશે તે અંગે ફ્રેન્ચાઈઝીએ કોઈ જાહેરાત કરી નથી.

IPL 2025 માટે દરેક ટીમની પર્સ વેલ્યુ 120 કરોડ રૂપિયા છે. તેમાંથી તમામ ટીમોએ વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી રાખવાના હતા. દિલ્હી કેપિટલ્સે કુલ 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. 120 કરોડમાંથી દિલ્હીએ 4 ખેલાડીઓને રિટેન કરવા માટે 43 કરોડ 75 લાખ રૂપિયા ખર્ચ્યા છે. હવે IPL 2025ની મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ પાસે 76.25 કરોડ રૂપિયા હશે.