રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. આ સાથે, પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર થઈ ગયું છે. IPL 2025માં લીગ સ્ટેજની આ છેલ્લી મેચમાં, LSG એ પ્રથમ બેટિંગ કરતા 227 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, RCB એ 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 6 વિકેટે જીત મેળવી.
બેંગલુરુની ધમાકેદાર શરુઆત
જો RCB ટોપ-2 માં રહેવા માંગતી હતી અને પ્રથમ ક્વોલિફાયર રમવા માંગતી હતી, તો તેમના માટે આ મેચમાં લખનૌને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. LSG દ્વારા આપવામાં આવેલા 228 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, બેંગલુરુએ ખૂબ જ સારી અને ઝડપી શરૂઆત કરી. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ વચ્ચે 61 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, આ દરમિયાન સોલ્ટ 30 રન બનાવીને આઉટ થયો હતો. રજત પાટીદાર 14 રન બનાવીને આઉટ થયો હતો અને લિયામ લિવિંગસ્ટોન બીજા જ બોલ પર શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો.
RCB એ 90 ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિરાટ કોહલી હજુ પણ ક્રીઝ પર ઊભો હતો. મયંક અગ્રવાલ અને કોહલી વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ રહી હતી, પરંતુ પછી કોહલી 54 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટની વિકેટ પછી, બાકી રહેલું કામ મયંક અગ્રવાલ અને જીતેશ શર્માએ પૂર્ણ કર્યું.
https://twitter.com/RCBTweets/status/1927431426829394100
જીતેશ શર્માની સરખામણીમાં પંતની સદી પડી ફિક્કી
લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રિષભ પંતે 61 બોલમાં અણનમ 118 રન બનાવ્યા. તેની ઈનિંગના કારણે જ LSG એ 227 રન બનાવ્યા. જવાબમાં, RCB એ 123 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી. જીતેશ શર્મા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને તેને આવતાની સાથે જ લક્ષ્યનો પીછો કરવાનું શરૂ કરી દીધું. તેને 33 બોલમાં અણનમ 85 રન બનાવ્યા. આ દરમિયાન તેને 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. તેને મયંક અગ્રવાલ સાથે 107 રનની પાર્ટનરશિપ કરી. અગ્રવાલ પણ 41 રન બનાવીને અણનમ પરત ફર્યો.
આરસીબી પ્રથમ ક્વોલિફાયર રમશે
આ જીત નોંધાવીને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે 29 જૂને, તેઓ પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. તમને જણાવી દઈએ કે પહેલા ક્વોલિફાયરમાં રમનારી ટીમોને ફાઈનલમાં પહોંચવાની બે તક મળે છે. બીજી તરફ, એલિમિનેટર મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.