જીતેશ શર્માની કેપ્ટનશીપ ઈનિંગથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. આ પછી RCB એ બીજા સ્થાને રહીને લીગ સ્ટેજ પૂર્ણ કર્યો.


આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે વિરાટ કોહલી દિગ્વેશ રાઠી પર એટલો ગુસ્સે થયો કે તેને કાચ પર બોટલ મારીને પોતાનો ગુસ્સો દર્શાવ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

228 રનનો પીછો કરતા વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે ધમાકેદાર શરૂઆત આપી. જ્યારે સોલ્ટ 30 રને આઉટ થયો ત્યારે RCBનો સ્કોર 5.4 ઓવરમાં 61 રન હતો. બાદમાં, રજત પાટીદાર 14 રન અને લિયામ લિવિંગસ્ટોન ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો ત્યારબાદ RCB દબાણમાં આવી ગયું. વિરાટ 30 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ ટીમને જીત માટે 52 બોલમાં 105 રનની જરૂર હતી.

વિરાટ કોહલી દિગ્વેશ પર કેમ થયો ગુસ્સે?

લખનૌ સામે કેપ્ટન જીતેશ શર્મા અને મયંક અગ્રવાલ વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ રહી હતી, લખનૌ મોટા સ્કોર છતાં હારી રહ્યું હતું. આ દરમિયાન, દિગ્વેશ રાઠીએ 'માંકડિંગ' દ્વારા નોન-સ્ટ્રાઈક એન્ડ પર રહેલા જીતેશને આઉટ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ રન આઉટ છે. આમાં, જો નોન-સ્ટ્રાઈકર બોલ ફેંકતા પહેલા ક્રીઝની બહાર નીકળી જાય, તો બોલર બોલ ફેંક્યા વિના સ્ટમ્પને ફટકારીને રન આઉટ માટે અપીલ કરી શકે છે. દિગ્વેશે પણ એવું જ કર્યું.


પરંતુ થર્ડ અમ્પાયરે જોયું કે બોલરનો પગ પોપિંગ ક્રીઝની બહાર ગયો હતો અને તેથી તેને નોટ આઉટ આપ્યો જ્યારે લખનૌના કેપ્ટન રિષભ પંતે અપીલ પાછી ખેંચી લીધી. પરંતુ જ્યારે અમ્પાયરે બોલરને અપીલ વિશે પૂછ્યું અને દિગ્વેશે કહ્યું કે હા તે અપીલ કરી રહ્યો છે ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા વિરાટ કોહલી એટલો ગુસ્સે થયો કે તેને બોટલ સામેના કાચ પર મારી દીધી. આ દરમિયાન તે કંઈક કહેતો પણ જોવા મળ્યો.

RCB એ જીતી મેચ

જીતેશ શર્માની કેપ્ટનશીપ ઈનિંગ્સથી 228 રનનો ટાર્ગેટ સરળ બન્યો, તેને 33 બોલમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા. આ આઈપીએલના ઈતિહાસમાં આરસીબીનો સૌથી મોટો રન ચેઝ છે. હવે RCB ને ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સ સાથે રમવાનું છે. 29 મે ના રોજ યોજાનારી આ મેચ જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે જ્યારે હારનાર ટીમને ફાઈનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2 જીતવું પડશે.


  • Follow us on: